- બરોડા ડેરીને મજબૂત કરવામાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો
- 120 કરોડના ખર્ચે બનેલ બરોડા ડેરીના 'મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ'નું ઉદ્દઘાટન કરાયું
- 550 કરોડના ખર્ચથી ૧૯૧ જેટલા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા
- 1200 દૂધ મંડળી સાથે રોજનું 6.50 લાખ લીટર દૂધ એકત્ર કરે છે
બોડેલી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે છોટાઉદયપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો. ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં 3 થી 6 લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિદિન 3 લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા 4 લાખ લીટર થશે. એટલુ જ નહિ ભવિષ્યમાં 11 લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે. આ નૂતન પ્લાન્ટ આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલ હોવાથી રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે. બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ ડેરીના મૃતક કર્મચારી નીતિનભાઇ પટેલના ધર્મપત્ની દીપિકાબેન પટેલને રૂપિયા 11 લાખનો ચેક મુખ્યપ્રધાને અર્પણ કર્યો હતો.
550 કરોડના ખર્ચથી 191 જેટલા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂપિયા 27 કરોડ ચૂકવવામાં આવશે. તેમાંથી રૂપિયા 18 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું ડેરીનું આયોજન છે. આ વિસ્તારમાં રૂપિયા ૫૫૦ કરોડના ખર્ચથી 191 જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂપિયા 180 કરોડના વિકાસના કામો પૂર્ણ થઇ ગયા છે. બોડેલી ફાટકનું કામ પણ ઝડપથી મંજૂર કરવામાં આવનાર છે.
ઉપસ્થિત અધિકારીઓ
આ પ્રસંગે રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણી, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, અગ્રણી ભાર્ગવ ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, અગ્રણી અશ્વિનભાઈ પટેલ, રશ્મિકાંત વસાવા, સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય, કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડેરીના એમ.ડી. અજય જોષી, બોર્ડના સભ્યો સહિત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની દૂધ ડેરીઓના પ્રમુખ, અને વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : કોરોના બાદ યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, જાણો તમામ સમિટની રસપ્રદ વાતો