છોટા ઉદેપુર : છોટા ઉદેપુર (ST) બેઠક (Chhota Udepur (ST) seat) પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. પુત્રને ટિકિટ ન આપતાં મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ જોઈન કરી લીધી હતી. ભાજપે તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ પણ આપી દીધી હતી. કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ અર્જુન રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા. છોટા ઉદેપુર બેઠક પર કુલ 5 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવાનો વિજય (BJP candidate Rajendrasinh Rathava win) થયો છે. છોટા ઉદેપુર બેઠક પર આમ આદમી પાર્ટી મેદાન પર ન હોત તો કોંગ્રેસની જીત પાક્કી હતી.
કોને કેટલા મત મળ્યા : છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવાને 74483 વોટ, કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાને 45149 વોટ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુન રાઠવાને 42708 વોટ મળ્યા છે. છોટા ઉદેપુર બેઠક પર આમ આદમી પાર્ટી મેદાન પર ન આવી હોત તો કોંગ્રેસની જીત પાક્કી હતી.
2017 વિધાનસભા ચૂંટણી : છોટા ઉદેપુર જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. ત્રણ બેઠકમાંથી 2 કોંગ્રેસ અને 1 બેઠક ભાજપને ફાળે ગઈ હતી. જેમાં છોટા ઉદેપુર (ST) બેઠક પર કોંગ્રેસના મોહનસિંહ રાઠવા અને પાવી જેતપુર (ST) બેઠક પર સુખરામભાઈ રાઠવાનો વિજય થયો હતો. જ્યારે સંખેડા (ST) બેઠક પર ભાજપના અભેસિંહ તડવીની જીત થઈ હતી.
છોટા ઉદેપુર (ST) બેઠક : છોટા ઉદેપુર (ST) બેઠકની મતગણતરી 14 ટેબલ પર 26 રાઉન્ડમાં થયો હતો. જ્યારે પાવી જેતપુર (ST) બેઠકની મતગણતરી 14 ટેબલ પર 25 રાઉન્ડમાં અને સંખેડા (ST) બેઠકની 14 ટેબલ પર 29 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી. જિલ્લાની ત્રણ બેઠકોની મતગણતરી કુલ 42 ટેબલ પર હાથ ધરાઈ હતી.