- છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની બે દિવસીય જન સંવેદના મુલાકાત યાત્રા
- પ્રદેશ અધ્યક્ષે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
- સરકાર ચોર છે અને દિલ્હી સરકાર ઈમાનદાર છે: ગોપાલ ઈટાલિયા
છોટા ઉદેપુર: આમ આદમી પાર્ટીનો પહેલીવાર છોટા ઉદેપુર જિલ્લામાં પ્રવેશ થયો છે. વર્ષોથી ભાજપ, કોંગ્રેસની રાજનીતિથી છોટા ઉદેપુર જિલ્લાના લોકો વણેલા હોય. ત્યારે સંખેડા, સોંનગીર, નસવાડી, વઘાચ અને બોડેલીમાં આમ આદમી પાર્ટીનો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને તેઓ શ્રધ્ધાંજલિ આપી કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં ભાજપ સરકાર પર આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ કોંગ્રેસ પક્ષને પણ આડે હાથે લીધો હતો. જેમાં આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા ગોપાલ ઈટાલિયા, વિજય સુવાડા અને પ્રો અર્જુન રાઠવા આ જન સંવેદન મુલાકાતમાં સંખેડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં પરિવર્તનની લહેર લાવવાની વાત કરી
જન સંવેદના મુલાકાત યાત્રામાં "એક કદમ પરિવર્તન કી ઔર" સાથે મળી ગુજરાતમાં પરિવર્તનની લહેર લાવવાની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન કંઈપણ કામગીરી કરે તેની સામે ભાજપ વિજય રૂપાણી ગેંગ બીજું કંઈ કરે છે. રાજ્યમાં 24 વર્ષથી ભાજપની સરકાર છે. પેટ્રોલ, ડીઝલથી લઈ બધી વસ્તુમાં ટેક્સ સરકાર લે છે, વીજળી પણ મફત આપતી નથી. સરકાર ચોર છે. જ્યારે દિલ્હીની આમ આદમી સરકાર ઈમાનદાર છે. વિજય રૂપાણીએ પોતાને ઉડવા-ફરવા 195 કરોડનું હેલિકોપ્ટર લીધું છે, જ્યારે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં મહિલાઓ- વિદ્યાર્થીઓને મફત પ્રવાસ માટેનું આયોજન કર્યું છે. તેવા અનેક મુદ્દા સાથે ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. નસવાડીમાં જન સંવેદના કાર્યક્રમમાં નસવાડીના કાર્યકરો હાજર રહ્યા હતા. ગુરુવારે પણ અસાર, ક્વાંટ, જેતપુર પાવી, ભીખાપુરા, ઝોઝ, કટાર વાંટ અને છોટા ઉદેપુર ખાતે જન સંવેદના મુલાકાત કાર્યકમ યોજાનાર છે.