છોટાઉદેપુર: બોડેલી ખાતે કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગની ખોટી કચેરી ઉભી, આદિજાતિ વિભાગ પ્રયોજના વહીવટદારની કચેરીએ વિકાસના કામોની દરખાસ્ત મોકલવામાં આવતી હતી. જેની ગ્રાન્ટ પાસ કરી નાણાની ઉચાપત કરવાનું કૌભાંડ સામે આવતાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
વહીવટદારની કચેરીમાંથી વિકાસના 93 કામોની રકમ તેઓના ખાતામાંથી ઉપાડી લીધા છે. મહિન્દ્રા કોટક બેન્કના ખાતાને સીઝ કરી એમાંથી કોણે કોણે પેમેન્ટ કરવામાં આવ્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે કેમ તે દિશા માં પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 2 ઈસમોને નામદાર કોર્ટમાં રજુ કરાતા 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. દરમિયાન આરોપીની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવશે. - ઇમ્તિયાઝ શેખ, એસપી, છોટાઉદેપુર
26મી ઓક્ટોબરના રોજ પ્રયોજના વહીવટદારની કચેરીના ક્લાર્ક જાવીદભાઈ ઇબ્રાહિમભાઈ માકણોજીયાએ નોંધાવેલ ફરિયાદમાં 4 કરોડ 15 લાખની ઉચાપત બાબતે પોલીસે તપાસ શરૂ કરતા બોડેલી મોડાસાર ચોકડી પાસે આવેલા વ્રજ કોમ્પ્લેક્ષના ફ્લેટમાં બિપીનભાઈ પટેલના માલિકીના મકાનમાં ત્રણ વર્ષનો ભાડા કરાર કરી ઓફિસ શરૂ કરાઈ હતી અને તેનું ભાડુ ઓનલાઇન આપવામાં આવતું હતું. જેમાં પાંચ કોમ્યુટર, બાયોમેટ્રિક, પ્રિન્ટર સહીત કબ્જે કરાયા છે તો નકલી કાર્યપાલક ઈજનેર સચિન રાજપુતના વડોદરા સ્થિત ઘર અને ઓફિસ માં પણ સર્ચ ઑપરેશન કરી પેન ડ્રાઇવ સહિતની વસ્તુઓ કબ્જે કરી અન્ય જિલ્લામાં પણ આવું કૌભાંડ કરવામાં આવેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.