કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ GNFCના MDના ખુલાસાનું ખંડન કરતાં કહ્યું કે, કંપનીના MD દ્વારા અધુરી માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી છે. તેમના દ્વારા માત્ર 16 લાખ રૂપિયાનો ગોટાળો બતાવવામાં આવે છે, પરંતુ દરેક ખાતરની થેલીએ 20 રૂપિયાનું કૌભાંડ ગણવામાં આવે તો પણ 200 કરોડનું કૌભાંડ થયું છે.
વધુમાં કહ્યું કે, સરકાર આગામી દસ દિવસમાં યોગ્ય તપાસ નહીં કરે તો અમે પોતે ફરિયાદી બનીને કંપનીના MD સહિત અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરીશું.
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખાતર કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે. ધોરાજી અને ઉપલેટામાં રેડ કરવામાં આવી હતી. જેમાં ખાતરની થેલીઓમાં વજન ઓછું મળ્યું હતું. જેને GNFCના MD દ્વારા આ સમગ્ર બાબતને સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, આ સરકાર કૌભાંડી છે. તુવેર કાંડ, મગફળી કાંડ અને હવે ખાતર કાંડ થયું છે. સરકાર ખેડૂતોનું લોહી ચૂસવાનું બંધ કરે. જ્યાં સુધી અધિકારીઓ સામે પગલાં લેવામાં નહી આવે, ત્યાં સુધી અમારા દ્વારા લડત ચાલુ રાખવામાં આવશે.
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું કે, આગામી દિવસોમાં પશુઓને આપવામાં આવતા ખાણમાં પણ કૌભાંડ સામે આવશે. સરકારે સોમવારે GNFCના MDને બચાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સરકાર માત્ર મીડિયાના માધ્યમથી કહે છે કે, કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ તેમની પણ વાત સાચી છે તો એક પણ ચમરબંધીને પકડતી નથી. થોડા સમય પછી દૂધનું પણ કૌભાંડ હવે સામે આવશે. આ સરકાર કૌભાંડોની સરકાર છે. ત્યારે આગામી દસ દિવસમાં સરકાર કૌભાંડીઓ સામે પગલાં નહીં ભરે તો GNFCના MD સહિતના અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે.
તમામ ધારાસભ્યો વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.