શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીએ કહ્યું કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન રિપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી. સુરતમાં 22 લોકોના અવસાન થયા છે. જ્યારે 15 સારવાર હેઠળ છે. બિલ્ડિંગમાં લાગેલા ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની શરૂઆત થઇ હતી. જે આગ ડોમ ઉપર આવેલા પ્લાસ્ટિકના બેનરમાં લાગતા ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. જ્યારે ઉતરવા માટે માત્ર એક જ સીડી હતી તે પણ લોખંડની હતી અને તેના ઉપર ફાઇબરનું કોટિંગ હતું.
સીડી નીચેથી આગ લાગવાની શરૂઆત થઇ હતી. જે ઉપર સુધી પહોંચી હતી. ત્રણ માળ બિલ્ડિંગમાં રેગ્યુલર હતા. જ્યારે ચોથા માળે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. જેની ઊંચાઈ માત્ર સાત ફૂટની જ હતું. વચ્ચેની જગ્યાએ ઊભા રહીએ તો માથું અડકી જાય તેવી સ્થિતિ હતી. જ્યારે અર્ધગોળાકાર હોવાથી કોર્નર ઉપર જગ્યા જ રહેતી ન હતી. પરિણામે આગ જે રીતે લાગી તેના કારણે ઝડપથી પ્રસરી ગઇ હતી, આ બનાવમાં એક ટીચરનું મૃત્યુ થયું હતું. બિલ્ડિંગમાં એક જ સીડી હતી જ્યારે અન્ય સીડી બંધ રાખવામાં આવી હતી અને ખિલ્લા મારીને આ સીડીને બંધ કરવામાં આવી હતી.
બિલ્ડર જીગ્નેશ હર્ષદ વેકરીયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ઇમ્પેક્ટ ફી બાદ સર્વેની કામગીરી કરનાર અધિકારી દ્વારા ડાયરેક્ટ જોયા વિના જ આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ત્યારે તે અધિકારીની જવાબદારી બને છે. આ બનાવ બાદ સરકારનું નઘરોળ તંત્ર સફાળું જાગી ગયું છે. ત્યારબાદ 11000 બિલ્ડીંગોની તપાસ કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના કમર્શિયલ સેન્ટ્રોને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી સમયમાં તમામ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને લઈને તાલીમ આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે. જ્યારે ફ્લેશ બેનર માટે સરકાર નવી પોલિસી લાવશે.
મુકેશ પુરીએ કહ્યું કે, રાજ્યના ફાયર સ્ટેશનમાં સ્ટાફની અછત છે. જ્યારે જરૂરી સુવિધાનો પણ અભાવ છે ત્યારે આગામી દિવસોમાં આ બાબતે સરકાર સાથે ચર્ચા કરી નવી ભરતી કરવામાં આવશે. જ્યારે ફાયર વિભાગ પાસે 15 મીટર સુધીના વાહનોની સીડી છે. જેમાં હાલમાં 70 મીટર સુધીના ઊંચાઇની હાઈરાઈઝ બિલ્ડીંગ બનાવવામાં આવે છે ત્યારે ફાયરના સાધનોની ઊંચાઈ વધારવા જેવી બાબતોની પણ ચર્ચા કરવામાં આવશે.
આ બાબતે મેયર અને કમિશ્નર સામે પગલાં ભરવામાં આવશે કે નહીં તે બાબતે તેમણે કહ્યું કે, હાલમાં માત્ર આગને બનાવને લઇને તપાસ ચાલી રહી છે. FSL દ્વારા આગની બનાવની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે. પરંતુ તેમને કમિશ્નર સામે પગલાં ભરવામાં આવશે કે નહી તે બાબતે ફોડ પાડવાનું ટાળ્યું હતું.