પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં સંબોધન કર્યું હતું કે, મગધ ખાતે રાજા ધનાનંદના સમયમાં પ્રજા હેરાન-પરેશાન હતી, પરંતુ ચાણક્યે આ મૂળને ઊખેડી દીધું હતું. તેવી જ રીતે 2004-2014 દરમિયાન થયું હતું. જેમાં આતંકવાદ વ્યાપક થયો, ઘુસણખોરી વ્યાપક બની, પ્રજા હેરાન થઈ હતી.
જો કે, નરેન્દ્ર મોદીએ ચાણક્ય તરીકે આવીને આ તત્વોને જળમૂળથી ઊખેડી ફેંક્યા હતા. આ વખતનો વિજય ભારતના જનમતનો વિજય છે, જે કોંગ્રેસ અનેક પ્રકારના આક્ષેપો કરતી હતી તે 86 બેઠકમાં જ સમેટાઈ ગઈ છે. કુલ 224 બેઠકોમાં ભાજપને 50 ટકા કરતાં વધુ મત મળ્યાં છે. જ્યારે 2019ની ચુંટણીમાં 37.4 ટકા જ મત મળ્યાં છે. દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસ ખાતું ખોલી નથી શકી, કોંગ્રેસના 9 જેટલા મુખ્યપ્રધાન ભાજપના વાવાઝોડાંમાં પરાસ્ત થઈ ગયા છે. આજે કોંગ્રેસને વિરોધ પક્ષના નેતા મળે તેવી પણ સ્થિતી રહી નથી.
વધુમાં જાડેજાએ ગૃહમાં સંબોધન કર્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાં 45 હજાર વોટથી હાર્યા છે. અત્યાર સુધીની ચૂંટણીમાં અમેઠી ખાતે નબળામાં નબળું પ્રદર્શન છે. નવસારીની બેઠકે દેશમાં સૌથી વધુ લીડ આપી છે, વિપક્ષ નેતા પણ હાર્યા છે. જ્યારે ગુજરાતને વર્ષ 2004-2014 સુધી અન્યાય કોણે કર્યો ? આ પ્રશ્નના જવાબમાં ભાજપના સભ્યોએ કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનો નારો લગાવ્યો. આવા જ નારા ના લગાવવા માટે અધ્યક્ષ દ્વારા ભાજપના સભ્યોને ટોકવામાં આવ્યાં હતા.
પ્રદીપસિંહ જાડેજાના સંકલ્પ પત્ર પર કોંગ્રેસના શૈલેષ પરમારે ગૃહમાં સંબોધન કર્યુ હતું કે, "મત કર ગુરુર ઈતના અપની બુલંદીઓ પર, હમને સુરજ કો ભી જલતે હુએ દેખા હૈ" આ રીતની શાયરી વાંચીને જવાબ આપ્યો હતો. જ્યારે આઝાદી સમયે આ દેશ પાસે કંઈ નહોતું , અંગ્રેજો જ્યારે ભારતને લૂંટી રહ્યાં હતા ત્યારે જવાહરલાલ નહેરુએ દેશનો વિકાસ કરવાની શરૂઆત કરી હતી. જ્યારે કોંગ્રેસના શાસનમાં દેશનું બંધારણ, કોમ્પ્યુટર, આર્ય ભટ્ટનું પ્રથમ લોન્ચિંગ, આઈઆઈએમ , એઈમ્સ, રોડ-રસ્તાં, વિજળી, ડેમો, આઈઆઈટી, શાળા, ચંદ્રયાન-મંગળ મિશન, અગ્નિ મિસાઈલ, મેઘ વિમાન પ્રજાને આપ્યું છે તે કોઈ એક વડાપ્રધાન બધું જ કરતા નથી. સિદ્ધિઓ ગણાવવી યોગ્ય છે, પરંતુ જે અગાઉ થયું હોય તો જ હાલ તેને ગણાવી શકાય. કોંગ્રેસ પક્ષે ભાજપને ટોણો માર્યો હતો કે, કોંગ્રેસે તો કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા પણ આપ્યાં છે.
સાથે જ હિતુ કનોડિયા બોલવા ઉઠ્યા કે, તરત જ શૈલેષ પરમાર બહાર નીકળતા હતા. ત્યારે હિતુ કનોડિયાએ તેમને સાંભળવા માટે ઊભા રહેવા કહ્યું હતું. તે દરમિયાન વળતાં જવાબમાં શૈલેષ પરમારે કહ્યું કે, મારા વક્તવ્ય વખતે મુખ્યપ્રધાન પણ જતાં રહ્યાં હતા.
પ્રદીપસિંહ જાડેજાના સંકલ્પ પત્ર પર પુજા વંશે પોતાના વિચારો રજૂ કર્યા અને ગૃહને સંબોધન કર્યું હતું કે, પ્રજાનો જનમત ચુંટણીના પરિણામ થકી મેળવ્યા પછી ગૃહમાં સંકલ્પ રજૂ કરી વાહવાહી કેમ મેળવે છે ? જ્યારે આજે પણ રાજ્યમાં અસંખ્ય સળગતાં સવાલો છે. ધારાસભ્યો પ્રજાની સમસ્યાના જો કોઈ સવાલ લઈ આવે અને તેમને ગૃહમાં તેની રજૂઆત કરવા દેવામાં આવે તો વાહવાહી મેળવવી જોઈએ. જ્યારે ભાજપ પક્ષને જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું તે ભાજપની નિતી છે. જ્યારે ભ્રષ્ટાચાર ઘટ્યો કે વધ્યો ? જવાબમાં કોંગ્રેસના સભ્યોએ સામુહિક જવાબ આપ્યો કે ભ્રષ્ટાચાર વધ્યો છે.
નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ગૃહમાં ઉપયોગમાં લેવાયેલ શબ્દો અને વાક્ય પર વાંધો ઉઠાવીને રજૂઆત કરી હતી કે, આવા શબ્દો બોલી ગૃહના સભ્યો અને પ્રજાને ગુમરાહ કરે છે. આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો તે અયોગ્ય છે. તેથી આવા શબ્દો રેકોર્ડ પરથી દુર હટાવવાની માંગ કરી હતી. તેમાં ભાજપના સભ્યોએ ફરી વિરોધ કરતાં પુજા વંશે કહ્યું કે, તમે આ સંકલ્પ પત્ર લાવ્યા છો તો સાંભળવું પણ પડશે.