શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે મળેલ રાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન આ મોબાઈલ એપને ખૂલ્લી મુકી હતી. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આ સિસ્ટમમાં કર્મચારીઓની આવન-જાવનની હાજરી, શૈક્ષણિક કર્મચારીની સમયપત્રક અનુસારની વર્ગખંડ અને પ્રયોગશાળાની હાજરી, તેમજ તેમના દ્વારા વિદ્યાર્થીઓની હાજરી ભરી શકાશે. આ સિસ્ટમના ભાગરૂપે તૈયાર કરેલ મોબાઈલ એપ્લીકેશન દ્વારા કર્મચારી સંસ્થાની વાઈફાઈની રેઈન્જમાં હશે તો જ આવન-જાવનની હાજરી અને અન્ય વિગતો ભરી શકશે. ઉપરાંત શૈક્ષણિક કર્મચારી દ્વારા તેમના સમયપત્રક અનુસાર વિદ્યાર્થીઓની હાજરી અને વધારાના સમયમાં તેમના દ્વારા કરવામાં આવેલ અન્ય કામગીરી જેવીકે શૈક્ષણિકકાર્ય માટેની તૈયારી માટે કરેલ કાર્ય,પ્રયોગશાળામાં નવા પ્રયોગનું નિર્માણ, સંશોધન કાર્ય કે અન્ય સંસ્થા દ્વારા સોંપવામાં આવેલ કાર્યની નોંધ પણ આ મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરી શકાશે.
તમામ રિપોર્ટ વેબ-એપ્લીકેશનના માઘ્યમથી ખાતાના વડા, આચાર્ય,કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ, કમિશ્નર, તાંત્રિક શિક્ષણ, અગ્ર સચિવ, ઉચ્ચ અને ટેકનિકલ તેમજ શિક્ષણપ્રધાન અને મુખ્યપ્રધાન પણ માહિતી મેળવી શકશે.