નોંધનીય છે કે, કેબીનેટ પ્રધાન અને અખીલ ગુજરાત કારડીયા રાજપુત સમાજનાં પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા છેલ્લા 9 વર્ષથી સુત્રાપાડામાં રાજપુત સમાજનાં સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ પ્રસંગે રાજપુત સમાજનાં અગ્રણી આગેવાન અને કર્ણાટકનાં રાજ્યપાલ વજૂભાઈ વાળા ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં તેમનું તલવાર અપર્ણ કરી સાફો બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, આ પ્રસંગે રાજ્યપાલ વજુભાઈ વાળાએ નવદંપતિને આર્શીવાદ આપ્યા હતાં. સાથે જ તેમણે સમસ્ત રાજપુત સમાજને સંગઠીત રહેવા તેમજ કુરિવાજોને તીલાંજલી આપવાનું આહવાન કર્યુ હતું.
વધુમાં વજુભાઈ વાળાએ સંબોધન કરતા એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજનું ઉમિયાધામ છે, લઉવા પાટીદાર સમાજનું ખોડલધામ છે. તેમ હવે રાજ્યમાં નાડોદા-કારડીયા રાજપુત સમાજનું પણ ભવ્ય ભવાનીધામનું નિર્માણ કરવામાં આવશે.
આ ભવાનીધામ સુરેન્દ્રનગર પાસે 17 એકર જેટલી વિશાળ જગ્યામાં આશરે એક અબજથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. સાથે આ મંદીરથી જ રાજપુત સમાજના સામાજીક અને શૈક્ષણીક કાર્યોને પણ વેગવંતા બનાવવામાં આવશે. આથી સમસ્ત સમાજનાં લોકોને આ નિર્માણની કામગીરીમાં સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી.