બોટાદ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. જે માટે ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર બોટાદ-ભાવનગરના સાંસદ સભ્ય ભારતીબેન શિયાળની પસંદગી કરવામાં આવતા ગુજરાત ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પસંદગી બાદ પ્રથમ વખત ભારતીબેન શિયાળ બોટાદમાં પધારતા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભારતીબેન શિયાળનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ તેમાં કાર્યકરો દ્વારા સોશીયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

કોરોનાના આ કપરા કાળને ભૂલી કાર્યકરોને મન માત્ર ભારતીબેનનું સન્માન જ મહત્વનું હોય તેમ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના આગેવાન મહેશ કસવાલા, બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી અમોહભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી સહિત અલગ અલગ મોરચાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

જો કે આ અંગે જ્યારે ભારતીબેન શિયાળને પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે તેમણે કાર્યકરોનો બચાવ કર્યો હતો.

ભારતીબેન શિયાળે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 8 સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.