- આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત
- ઉત્સાહ સાથે કામે લાગી જાવ
- આપણે સૌ એક પરિવાર છીએ
બોટાદ: બોટાદ વિધાનસભા સીટના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન સૌરભ પટેલ આજે બોટાદ ની મુલાકાતે હતા. જિલ્લાના કાર્યકરો અને આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.કાર્યકરોને ચિંતા નહિ કરવા અને ઉત્સાહ સાથે કામ કરવાની કરી હાકલ કરી હતી. સૌરભ પટેલે જણાવ્યું હતું કે," હું બોટાદનો પ્રધાન છું અને બોટાદમાં મને પૂછ્યા વગર કઈ થાય નહિ. તેવી વાત સાથે કાર્યકરોનો જુ્સ્સો વધાર્યો હતો. સરકારના નવા પ્રધાનોને જરૂર પડશે અમારા અનુભવ થી જ્યાં જરૂર પડશે માર્ગદર્શન આપશું".
આગેવાનો મોટી સંખ્યામાં સૌરભ પટેલને મળવા માટે પહોંચ્યા
ગુજરાત રાજ્ય સરકારના નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી ટીમ માટે નો રિપીટ થિયરી અપનાવી તમામ નવા પ્રધાનોની પસંદગી કરવામાં આવતા જુના તમામ મંત્રી ઓના પતા કપાયા હતા.જેને લઈ કાર્યકરોમાં ઉભી થયેલ નારાજગીને લઈ બોટાદ વિધાનસભાના ધારાસભ્ય સૌરભ પટેલ આજે કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત સાથે બોટાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી મહત્વના કાર્યકર્તા અને આગેવાનો મોટી સંખ્યામાં સૌરભ પટેલને મળવા માટે પહોંચ્યા હતા.
આગેવાનોનો આભાર માન્યો
તમામ કાર્યકરોને નિરાશ ન થઈ ઉત્સાહ સાથે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.તેમજ તમામ કાર્યકર્તા ઓ બીજા કાર્યકરોને પણ સંદેશો આપે અને કોઈ ચિંતા કરે નહિ તેવી વાત સાથે કહ્યું હતું કે હું બોટાદનો પ્રધાન તો છું જ અને મને પૂછ્યા વગર અહીં કોઈ નિર્ણય કરી શકે નહીં તેવી વાત સાથે કાર્યકરોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી મોટી સંખ્યામાં આવેલ તમામનો આભાર માન્યો હતો.