- ગઢડાના માંડવધાર ગામે હાર્દિક પટેલે સભા સંબોધી
- ધારાસભ્ય વીરજી ઠુમ્મર સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત
બોટાદ: ગઢડાના માંડવધાર ગામે કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીના સમર્થનમાં જાહેર સભાનું આયોજન થયું હતું. જેમાં ધારાસભ્ય વીરજી ઠુમ્મર સહિત કોંગેસના આગેવાનો હાજર રહ્યા હતા. હાર્દિક પટેલે સભામાં સંબોધન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને જીતાડવા માટે દિગ્ગજ નેતાઓ ગઢડા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં માંડવધાર ગામમાં રાત્રીના સમયે કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ધારાસભ્ય વીરજી ઠુમ્મર, ઉમેદવાર મોહન ભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સભામાં ભાજપ પર પ્રહાર
ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે તેમના તેજાબી વક્તવ્યમાં ભાજપને આડેહાથ લીધી હતી. જ્યારે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા માટે જનતાએ સંકલ્પ લીધો છે. અહીં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને અમે ફરી રહ્યા છીએ. એક-એક ગામની વિગતો લઈ અમે ત્યાં જઈ રહ્યા છીએ, અમે નેતા બનીને નહિ પરંતુ સેવક બનીને કામ કરીશું. પાસના દિલીપ સાબવાના ટિકિટો પર ભષ્ટાચારના નિવદેન પર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એ ભાઈએ ચાર ધામની યાત્રા કરી લીધી છે.