સાળંગપુરઃ બોટાદ જિલ્લામાં આવેલા પવિત્ર મંદિર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં એક વિશાળ મૂર્તિનું અનાવરણ થવાનું છે. ભક્તિભાવ અને શાસ્ત્રોકત પૂજા પૂજા બાદ મૂર્તિ ખુલ્લી મૂકવામાં આવશે. આ પ્રસંગે રાજ્યભરમાંથી ભાવિકો સાળંગપુર ઉમટી પડ્યા છે. બુધવારે વિશાળ પ્રતીમાના અનાવરણની કલાકો ગણાઈ હતી. એમના જન્મોત્સવના વધામણા કરવા માટે જુદા જુદા જિલ્લાઓના અનેક ભાવિકો સાળંગપુર પહોંચ્યા છે. જ્યાં બુધવારે સાંજે હનુમાનજીની વિશાળ પ્રતીમાનું અનાવરણ થવાનું છે.
કિંગ ઓફ સાળંગપુરઃ કિંગ ઓફ સાળંગપુર એટલે હનુમાનજીની 54 ફૂટની પ્રતીમાનું કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ઉદ્ધાટન કરશે. બોટાદ જિલ્લાના સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાન મંદિરના સાનિધ્યમમાં 2 દિવસ સુધી ભક્તિમય કાર્યક્રમ ઉજવાશે. જેને શતામૃત મહોત્સવ નામ આપવામાં આવ્યું છે. આ મૂર્તિને સાત કિમી દૂરથી પણ જોઈ શકાશે. સાળંગપુર આવતા દરેક ભાવિકો આને પહેલા નિહાળી શકશે.

આટલો મૂર્તિનો વજનઃ હરિયાણા રાજ્યના ગુરૂગ્રામમાં નવનિર્મિત 30 હજાર કિલોનો વજન ધરાવતી પંચધાતુની આ મૂર્તિ છે. આ સાથે એક સાથે 4000 ભાવિકો પ્રસાદ લઈ શકે એ વિશાળ ભોજનાલયને ખુલ્લુ મૂકવામાં આવશે. મંદિરની પાછલના ભાગમાં આ મૂર્તિનું સ્થાપન કરાયું છે. જેમાં હનુમાનજીનું મુખ દક્ષિણ દિશામાં રખાયું છે.
એમ્ફી થિયેટરઃ આ સાથે અહીં એક એમ્ફી થિયેટરનું પણ નિર્માણ કરાયું છે. જેમાં એક સાથે 1500 ભાવિકો બેસીને ફિલ્મ નિહાળી શકે છે. લાઈટ એન્ડ સાઉન્ડ શૉનો આનંદ લઈ શકે છે. તારીખ 6 એપ્રિલના રોજ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે પ્રતીમા ખુલ્લી મૂકાશે. આ પ્રસંગે રાત્રીના સમયે ખાસ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટથી 60 હજાર કિલો જૈવિક ખાતર મંગાવીને અહીં સોફ્ટલોન ઉગાડી દેવાઈ છે. ગાર્ડની આસપાસ ચાર પ્રકારના પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. મૂર્તિની આસપાસ 36 નાની એવી દેરીઓ બનાવવામાં આવી છે. આ માટેના પથ્થર ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Hanuman Jayanti 2023: અમદાવાદમાં આવતીકાલે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
સૌથી મોટું ભોજનાલયઃ ગુજરાત રાજ્યનું સૌથી હાઈટેક ભોજનાલય પણ કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે ખુલ્લુ મૂકાશે. 4450 સ્કવેર ફૂટમાં વિશાળ રસોડું તૈયાર કરાયું છે. જ્યારે માત્ર કલાકમાં 20,000 ભાવિકો માટે ભોજન તૈયાર થઈ જાય છે. કુલ સાત ડાયનિંગ હોલ અંદર તૈયાર કરાયા છે. આ સાથે કુલ પાંચ લિફ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. રાજસ્થાન, કચ્છ અને થાનની માટીનો અહીં ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ ભોજનાલય કરતા આ ભોજનાલય સૌથી મોટું અને અતિઆધુનિક માનવામાં આવે છે. હાલમાં પણ જે જૂનુ ભોજનાલય છે એમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો પ્રસાદ લે છે.