- 200 વર્ષથી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે
- કોવિડ 19નું સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો
- 26થી 28 માર્ચ ભગતજી મહારાજની ઉજવણી કરવામાં આવશે
- 29 માર્ચના રોજ સવારે 6થી 8 વાગ્યા સુધી ઓનલાઈન મહોત્સવ યોજાશે
બોટાદ: BAPS મંદિર દ્વારા ૨૯ માર્ચના રોજ ધૂળેટી પર્વ નિમિતે ઉજવાતો ફૂલડોલ ઉત્સવ આ વર્ષે ઓનલાઈન યોજાશે. કોવિડ 19ની ગંભીરતાને લઈને મંદિર વિભાગ દ્વારા નિર્ણય લેવાયો. દર વર્ષે ફૂલડોલ ઉત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવતા હોઈ છે. હરિભક્તોમાં કોવિડ 19નું સંક્રમણ વધે નહીં તે માટે સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન યોજાશે.
BAPS સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 200 વર્ષોથી ફૂલડોલ ઉત્સવની ઉજવણી
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 200 વર્ષોથી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. કહેવાય છે કે 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ ભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરતા હતા. જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ખુબ ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી ફૂલડોલ ઉત્સવ તરીકે કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર દેશમાં કોવિડ 19ની મહામારીને કારણે સંક્રમણ વધે નહીં તે માટે મંદિર વિભાગ દ્વારા આ કાર્યક્રમ ઓનલાઈન ઉજવવાનું કરવાનું નક્કી કર્યું છે. જેમાં 26 થી 28 માર્ચ ભગતજી મહારાજની ઉજવણી કરવામાં આવશે અને 29 માર્ચે ધુળેટીના દિવસે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઓનલાઈન મહોત્સવ યોજાશે.
આ પણ વાંચો: અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે કોરોના ગાઈડલાઈન્સ સાથે અન્નકૂટ અને ગોવર્ધન પૂજા યોજાઈ
બધાને ઘરે બેઠા ઉત્સવનો લાભ મળે તેવું આયોજન
દર વર્ષે સાળંગપુરમાં ફૂલડોલ ઉત્સવ બધા માટે ખુબ જ ઉત્સાહિત હોઈ છે અને મોટી સંખ્યામાં દેશ-વિદેશથી હરિભક્તો આવતા હોઈ છે. આ વર્ષે વાતાવરણને અનુલક્ષીને મહંત સ્વામીના આદેશથી આ વર્ષે બધાને ભેગા નથી કરવાના, પરંતુ બધાને ઘરે બેઠા ઉત્સવનો લાભ મળે તેવું આયોજન કરવાનું છે. એના માટે ફૂલડોલ ઉત્સવના દિવસે 29 માર્ચના રોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઓનલાઈન મહોત્સવ યોજાશે. જેમાં મહંત સ્વામી મેનપુરથી આશીર્વાદ આપશે. મહંત સ્વામી ઠાકોરજીને રંગોથી રંગશે અને તે જ સમયે તમામ હરિભક્તો પોતાના ઘરે ઠાકોરજીનો અભિષેક કરશે.
આ પણ વાંચો: અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાયો, દર્શન માટે કરાઈ અદ્ભુત વ્યવસ્થા
મોટી સંખ્યામાં હરિભક્તો મહોત્સવમાં લાભ લે છે
હરિભક્ત ચિતરંજન ભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે, હું 40 વર્ષથી ફૂલડોલ ઉત્સવમાં આવું છું. મોટી સંખ્યામાં હરિભક્તો પણ આવે છે અને મહોત્સવનો લાભ લે છે. આ વર્ષે કોવિડ 19ના કારણે હરિભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે અને સરકારની ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે મંદિર દ્વારા ઓનલાઈન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.