ગઢડાઃ ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભાવનગરના બિલ્ડર મોહન સોલંકીના નામ પર મહોર મારી છે. પ્રથમવાર ચૂંટણી લડી રહેલા મોહન સોલંકીએ આ બેઠક ઉપરથી ચોક્કસ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. રાજ્યમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભાજપે બે દિવસ પહેલા 7 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. આજે સોમવારે કોંગ્રેસે 5 ઉમેદવારોની યાદી બહાર પાડી છે, જેમાં ગઢડા વિધાનસભા બેઠક પર મોહન સોલંકી કોંગ્રેસનું નેતૃત્વ કરશે.
મોહન સોલંકીએ આ અંગે કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચાર, ખેડૂતોને પાક વીમો, ભાવ વધારો, વીજળી, રોડ-રસ્તા સહિતના મુદ્દાઓ લોકો સમક્ષ મૂકીશું. આ વિસ્તારના લોકો કોંગ્રેસને ચોક્કસથી જીતાડશે તેવી આશા છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો મોહન સોલંકી અત્યાર સુધીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની એક પણ ચૂંટણી લડ્યા નથી અને તેઓ સીધા હવે ધારાસભ્યની ચૂંટણી લડશે.