- આચાર્ય પક્ષના તમામ 3 ટ્રસ્ટીઓ બેઠક છોડી બાહર નીકળી ગયા
- રમેશ ભગતે મીડિયા સમક્ષ પોતે ચેરમેન હોવાનો દાવો કર્યો
- ચેરિટી કમિશનરે દેવ પક્ષની અરજીને માન્ય રાખી
બોટાદ : ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં દેવ પક્ષના 4 અને આચાર્ય પક્ષના 3 એમ કુલ મળીને 7 સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંદિરના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આચાર્ય પક્ષના રમેશ ભગત દ્વારા મિટિંગ શરૂ થતાં પહેલાં ચેરમેનને અરજી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમની આ અરજી સ્વીકારવામાં નહીં આવતા આચાર્ય પક્ષના 3 ટ્રસ્ટીઓ પ્રોસિડિંગમાં સહી કર્યા વગર જ બાહર નિકળી ગયા હતા.
આચાર્ય પક્ષ અને દેવ પક્ષનો વિવાદ સપાટી પર આવ્યો
ગઢડા ગોપીનાથજી મંદિરનો વિવાદ દિવસેને દિવસે વકરતો હોય તેમ જણાઇ રહ્યું છે. 1.5 વર્ષ પહેલાં ગઢડા મંદિર ખાતે યોજાયેલી ચૂંટણીમાં 20 વર્ષથી સતા પર બેઠેલા આચાર્ય પક્ષની હાર સાથે સત્તા પરિવર્તન થયું અને દેવ પક્ષ સત્તા પર આવ્યું ત્યારથી આચાર્ય પક્ષ દ્વારા અલગ અલગ મુદ્દે વિરોધ કરતા આચાર્ય પક્ષ અને દેવ પક્ષનો વિવાદ સપાટી પર આવી રહ્યો છે.
સમગ્ર વિવાદ ચેરિટી કમિશનર ભાવનગર ખાતે પહોંચ્યો
6 ડિસેમ્બરના રોજ અગાઉ 22 નવેમ્બરના રોજ ચેરમેન હરિજીવન સ્વામી બોલાવેલી બેઠક રદ્દ થતા ટ્રસ્ટના ફોરમ મુજબ સ્કીમની જોગવાઈમાં ન બોલાવેલી બેઠક બે અઠવાડિયા બાદ તેજ મુદ્દા સાથે બોલાવી શકાય તેવી જોગવાઈ વચ્ચે 6 ડિસેમ્બરના રોજ આચાર્ય પક્ષના ટ્રસ્ટી અને પાર્ષદ રમેશ ભગત દ્વારા બેઠક બોલાવવામા આવી હતી. જેમાં આચાર્ય પક્ષના હાજર ટ્રસ્ટીઓની હાજરીમાં ચેરમેન હરિજીવન સ્વામીનું ચેરમેન પદ રદ્દ કરી ચેરમેન તરીકે રમેશ ભગતની જાહેરાત સાથે આચાર્ય પક્ષ દ્વારા સત્તા પરિવર્તન થયાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ ચાલતા વિવાદ વચ્ચે ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા ટ્રસ્ટી બોર્ડની બેઠક બોલાવવાનો એજન્ડા કાઢવામાં આવ્યો હતો. આ સાથે પોતે ચેરમેનનો હોવાનો દાવો કરનારા રમેશ ભગત દ્વારા પણ 15 ડિસેમ્બરના રોજ બેઠક બોલાવવાનો એજન્ડા બહાર પાડતા મામલો ચેરિટી કમિશનર ભાવનગર ખાતે પહોંચ્યો હતો. જ્યાં દેવ પક્ષની અરજીને માન્ય રાખી આચાર્ય પક્ષની બેઠક પર સ્ટે આપી વધુ સુનવણી 8 જાન્યુઆરી કરવામાં આવશે, તેવો ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
બન્ને પક્ષના ટ્રસ્ટીઓ રહ્યા હાજર
આ બેઠકના ભાગ રૂપે દેવ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી હતી કે, સમય અને તારીખ મુજબ મંગળવારે બેઠક બોલાવી હતી, જે બેઠકમાં ટ્રસ્ટી બોર્ડના આચાર્ય પક્ષ તેમજ દેવ પક્ષના તમામ ટ્રસ્ટીઓ હજાર રહ્યા હતા. બેઠક શરૂ થાય તે પહેલાં આચાર્ય પક્ષ રમેશ ભગત દ્વારા ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા બોલાવવામાં આવેલી બેઠક યોગ્ય નથી, તેવી અરજી આપી હતી. જે અરજી હરિજીવન સ્વામી દ્વારા ન સ્વીકારતા આચાર્ય પક્ષના તમામ 3 ટ્રસ્ટીઓ બેઠક છોડી બાહર નીકળી ગયા હતા. જે બાદ તેમને મીડિયા સમક્ષ પોતે ચેરમેન હોવાનો દાવો કરી આજની બોલાવેલી બેઠકને અયોગ્ય ગણાવી હતી.
ચેરમેન પદનો દાવો ગેરકાયદેસર
આ અંગે ચેરમેન હરિજીવન સ્વામીએ આજની બેઠકમાં મંદિરના વિકાસ અંગે આવી ચર્ચા કરવામાં આવી હતી. આચાર્ય પક્ષના રમેશ ભગતના નિવેદન મામલે હરિજીવન સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, આચાર્ય પક્ષ જ નથી. તેમના વડા આચાર્ય અજેન્દ્ર પ્રસાદને સત્સંગ મહાસભાએ પદ ભ્રષ્ટ કર્યા છે. આચાર્ય નામે કોઈ પક્ષ જ નથી અને હાલના આચાર્ય રાકેશ પ્રસાદ હોય માત્રને માત્ર રમેશ ભગત દ્વારા કરવામાં આવતા વિરોધને સ્ટંટ ગણાવ્યો અને ચેરિટી કમિશનર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે, તે હુકમ જ સાબિત કરે છે કે, ચેરમેન પદનો દાવો ગેરકાયદેસર છે.