- ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ
- 12 બેઠક પર આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી
- કોંગ્રેસના 14 ફોર્મ થયાં રદ
બોટાદ: ચૂંટણી પહેલા કોગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. જિલ્લા પંચાયતની માત્ર 2 બેઠક ઉપર ચૂંટણી લડવામાં આવશે, ત્યારે આમ આદમી પાર્ટી 12 બેઠકો ઉપરથી ચૂંટણી લડી શકે તેમ જણાઈ રહ્યું છે. હવે ભાજપ અને આમ આદમી વચ્ચે સીધી જંગ જામ્યો છે. ધારાસભ્ય સૌરભ પટેલના કહેવાથી કોગ્રેસના ફોર્મ રદ કરવા માટે જિલ્લા કોગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખે તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યાં છે.
હાઈકોર્ટમાં 14 ઉમેદવારો મામલે સુનાવણી કરવામાં આવી હતી
બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની 20 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં 15 ફેબુઆરી 2021ના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણીના દિવસે બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠકમાં કોંગ્રેસના 18 મેન્ડેટના ફોર્મ કોઈ ભૂલના કારણે રદ થતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો અને જે મામલે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા પહેલા કોગ્રેસના 4 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યાં હતાં, ત્યારે 26 ફેબુઆરી 2021ના રોજ હાઈકોર્ટમાં 14 ઉમેદવારો મામલે સુનાવણી કરવામાં આવી હતી.
કોંગ્રેસ માત્ર 2 બેઠક ઉપર ચૂંટણી લડશે
હાઈકોર્ટનાં હુકમમાં જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેત કરવા હાઈકોર્ટનો ઇન્કાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વધુ 14 ઉમેદવારો જિલ્લા પંચાયતની ચૂંટણી નહીં લડી શકે. જેનાથી કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. હવે કોંગ્રેસ માત્ર 2 બેઠક ઉપર ચૂંટણી લડશે. કોંગ્રેસના 20માંથી 18 ફોર્મ રદ થતાં હવે બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થશે, જયારે કોંગ્રેસના 20માંથી 18 ફોર્મ રદ થતાં બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ યોજવાની છે, બીજી તરફ 20માંથી 12 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમજ જિલ્લા પંચાયતની 7 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વીજયી જાહેર થઈ ચૂક્યા છે.
તેમને ચૂંટણી લડવી હોય તો મેદાનમાં આવવું જોઈએ: કોંગ્રેસ
આ બાબતે કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ રમેશ મેરે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે જે ફોર્મ રદ કર્યા તેમાં ખરેખર કોઈ ભૂલ હતી જ નહીં. ફોર્મમાં સામન્ય ટેકનીકલ ભૂલ હતી. જે માન્ય રાખી શકાય એવી હતી, પરતું હાલની વર્તમાન સરકાર અને અહીંના પ્રધાન સૌરભ પટેલ અધિકારીઓને પોતાના દબાવમાં લાવી અને બળજબરી પૂર્વક નિર્ણય અમાન્ય કરાવ્યો એ બાબત શરમજનક કહેવાય. જો તેમને ચૂંટણી લડવી હોય તો મેદાનમાં આવવું જોઈએ, પરતું તેમને હારવાની બીક લાગી ગઈ. હાઈકોર્ટનાં જજમેન્ટને અમે સુપ્રીમમાં લઈ જઈશું.
આપનો દાવો, અમે 60 બેઠકો ઉપર વિજય મેળવીશું
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કૌશિક રાઠોડે જણાવ્યું હતું કે, ભાજપ સાથે આમ આદમીની સીધી ફાઈટ છે. આમ આદમીના જિલ્લામાં 60 ઉમેદવારો છે, જેમાં જિલ્લા પંચાયતમાં 12 ઉમેદવારો છે. સત્તામાં બેઠેલી પાલટીઓની કુટનીતિ અને ગંદા રાજકારણનો ભોગ સામેની પાર્ટી બની છે. અમે 60 બેઠકો ઉપર વિજય મેળવીશું. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ભાગ ભજવે છે. પ્રદેશવાળાને ધ્યાન આપવાની જરૂર છે. જો ઉમેદવાર નિષ્ફળ જશે તો આંતરીક વિખવાદ સાબિત થશે. અમે સક્ષમ અને સારા 150 જેટલા ઉમેદવારો પંસદ કર્યા હતા. જો તેમને મેન્ડેટ આપવામાં આવ્યો હોત તો અમે તમામ બેઠકો પર વિજયી મેળવવા સક્ષમ હતા.
20 જિલ્લા પંચાયતની બેઠક ભાજપ જીતશે
જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાએ જણાવ્યું હતું કે, સત્યનો હંમેશા વિજય થાય છે. કોંગ્રેસે દ્વારા જે કઈ ભૂલ કરવામાં આવી છે તેની અણઆવડતના કારણે જે કોઈ ભૂલ કરી છે, તેનો રાજ્યના ચૂંટણી પંચે તટસ્થ નિર્ણય કર્યો છે, જયારે તેને કોર્ટમાં રજુ કર્યો ત્યારે હાઈકોર્ટે ચૂંટણી પંચના નિષ્પક્ષ નિર્ણયને માન્ય રાખ્યો છે. કોંગ્રેસના જે તમામ 18 ફોર્મ હતા તે અમાન્ય ગણ્યા છે અને કોંગ્રેસ જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણા છે, તેઓ ક્યારેય ભૂલ સ્વીકારતા નથી. ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પક્ષ હોઈ તેને માન્ય નથી. કોઈ પણ પાલટી સામે હોઈ ભાજપ વિકાસને લઈ ચૂંટણી લડે છે અને 20 જિલ્લા પંચાયતની બેઠક ભાજપ જીતશે.