બોટાદ : શહેરના રેલવે સ્ટેશન પર બંધ ઊભેલી બોટાદ ધાંગધ્રા ડેમુ ટ્રેનમાં અચાનક જ આગ લાગી હતી. ડેમુ ટ્રેનના ત્રણ ડબ્બા ભડભડ સળગીને ખાખ થઈ ગયા હતા. બનાવ બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આગને પગલે કલેકટરથી લઈને ડીએસપી કક્ષાનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે રેલવે ઇન્કવાયરી બેસાડવામાં આવી છે. આગ લાગવાને કારણે ત્રણેય ડબ્બા બળીને ખાખ થઈ ગયા છે.
ત્રણ ડબ્બા બળીને થયા ખાખ : હાલ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બોટાદ રેલવે સ્ટેશન પર બપોરે 3.45 કલાકે બોટાદ ધાંગધ્રા ડેમુ ટ્રેન જે વહેલી સવારે 10 કલાકે બોટાદ સ્ટેશન પર આવીને ઉભી હતી. તેમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી. જોકે ટ્રેન નંબર 16206 આવ્યા બાદ છ કલાક બંધ સ્ટેશન પર પડી રહી હતી. ત્યારે તેમાં અચાનક આગ લાગવાને કારણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચીને 20 મિનિટમાં સમગ્ર આગને બુઝાવી દીધી હતી. બનાવને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો : Bullet Train : વલસાડના ઝરોલી ગામના પહાડમાં બુલેટ ટ્રેન માટે બની રહી છે 350 મીટર લાંબી ટનલ
કલેકટર દોડી ગયા સ્ટેશન પર : બોટાદના રેલવે સ્ટેશન પર બોટાદ ધાંગધ્રા ડેમુ ટ્રેન સવારે 10 કલાકે ધાંગધ્રાથી આવીને પ્લેટફોર્મ નંબર 7 પર ઉભી હતી. જોકે પ્લેટફોર્મ નંબર 7 પર ટ્રેન સવારે 10 કલાકે આવ્યા બાદ બંધ હાલતમાં ઉભી હોય ત્યારે અચાનક બપોરે 3.45 કલાકે લાગેલી આગ બાદ કલેકટર જીન્સી રોય સ્થળ પર પહોંચી ગયા હતા. કલેકટર જીન્સી રોયએ જણાવ્યું હતું કે, બોટાદ ધાંગધ્રા ડેમુ ટ્રેનમાં ત્રણ કોચમાં આગ લાગી છે અને આગને પગલે ત્રણ ફાયર ફાઈટર 10 મિનિટમાં સ્થળ પર આવીને 20 મિનિટમાં આગ બુજાવી દીધી હતી. હાલ આગળની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Employment Fair in Vadodara : રોજગાર મેળામાં રેલવેપ્રધાનનું બુલેટ ટ્રેન ટ્રાયલ રન વિશે મહત્ત્વનું નિવેદન
DSP એ FSL તપાસ વિશે કહ્યું : બોટાદ ધાંગધ્રા ડેમુ ટ્રેનમાં લાગેલી આગને પગલે DSP કિશોર બાળોલીયા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે સદનસીબે બંધ ટ્રેનમાં આગ લાગવાને કારણે કોઈ જાનહાની તો નથી થઈ, પરંતુ ડીએસપી કિશોર બાળોલીયાએ જણાવ્યું હતું કે, બપોરે 3:45 કલાકે પોલીસને જાણ થતા જ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે આ ટ્રેન સવારે 10 કલાકે આવીને બંધ કન્ડિશનમાં ઉભી હતી. જેને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસ, રેલ્વે પોલીસ પ્રાઇમરી રીઝન શોધી રહી છે. જોકે તે બહાર નથી આવ્યું પરંતુ FSLની ટીમ પણ તેમાં તપાસ કરવાની છે. જ્યારે રેલવે ડિવિઝનના ડીસીએમ માશુક અહેમદે જણાવ્યું હતું કે, ડેમુ ટ્રેનમાં આગ લાગવાને પગલે હાલ ઇન્કવાયરી ચાલી રહી છે. તેમાં ત્રણ લોકોની એક ટીમ બનાવાઈ છે. જેમાં એક એન્જિનિયર, એક ટ્રાફિક ઓફિસર અને એક આરપીએફ અધિકારી છે. જોકે મોડી રાત સુધીમાં રિપોર્ટ સામે આવી જશે કે આખરે આગ કઈ રીતે લાગી છે.