બોટાદ : બરવાળા પાસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ કરવા માટેની ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ચેકપોસ્ટ પર બોટાદ જિલ્લામાં પ્રવેશતા તમામ લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 4 દિવસમાં અદાજે 350થી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં બહારથી આવતા પોઝિટિવ લોકોને કારણે જિલ્લામાં સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર બોટાદના મુખ્ય પ્રવેશ માર્ગ એવા બરવાળાના સમઢિયાળા પાટિયા પાસે એક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બોટાદ પ્રવેશતા વાહનોના પ્રવાલીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે, જો કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે. તંત્રના આ નિર્યણને લોકોએ પણ આવકાર્યો છે.