- આ વખતે પાલીતાણામાં અર્ચન યાત્રા નહીં યોજાઇ
- કોરોનાની વિકટ પરિસ્થિતિને જોતા લેવાયો નિર્ણય
- કોરોના ગાઈડલાઈનનું પાલન મુશ્કેલ હોવાથી નહીં યોજાઇ યાત્રા
ભાવનગરઃ કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે અનેક જગ્યાએ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવા કપરા સમયમાં જૈનોના તીર્થધામ પાલીતાણામાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાલીતાણા જૈન તળેટી ખાતે કારતક સુદ પૂનમથી યાત્રા અને પૂજા-અર્ચનાના તમામ કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય પાલીતાણા જૈન તળેટી દ્વારા કરવામાં આવ્યો છે.
જૈનોના તીર્થધામ પાલીતાણા ખાતે કાર્તિકેય પૂનમથી શરૂ થતી શેત્રુંજય ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થાય છે, જેમાં હજારો જૈનો અને જૈનેતરો જોડાતા હોય છે. આ કાર્તિકેય પૂનમમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, દેરાસરની પ્રતિષ્ઠા, સાલગિરી વગેરે કાર્યક્રમો ધામધૂમપૂર્વક યોજાતા હોય છે, પરંતુ હાલની કોરોનાની પરિસ્થિતિમાં સામૂહિક ધાર્મિક કાર્યક્રમ યોજવા યોગ્ય ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જો આ યાત્રા યોજાઇ તો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવું ખૂબ જ અઘરું પડી જાય. જેને ધ્યાનમાં લઈ પાલીતાણામાં આ વખતે યાત્રા નહીં યોજાઇ.
તમામ શ્રદ્ધાળુઓને સહકાર આપવા અપીલ
કાર્તિકેય સુદ પૂનમથી જય તળેટી તેમજ શેત્રુંજય ગિરિરાજ પર પૂજા તેમ જ ચૈત્યવંદન સહિતના ધાર્મિક કાર્યક્રમો ન યોજવા તેમજ અઢાર અભિષેક અને દાદાના જિનાલયની 490ની વર્ષગાંઠ નિમિત્તે શિખરની ધજાની કારતક સુદ ચૌદસની બોલી પણ મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત વૈશાખ સુદ છઠના દિવસે અન્ય ટૂંકોની ધજા ધારણ કરવાનો લાભ આપવા અંગેનો ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. જ્યારે ભાતું આપવાનું પણ મોકૂફ રાખેલું છે, જે નિર્ણયમાં તમામ શ્રદ્ધાળુઓએ સહકાર આપવા અપીલ કરી છે.