- મહુવાના તાવેડા ગામે મહિલાની હત્યા બાદ મૃતદેહને કુવામાં ફેંકી દેવાયો
- મહિલાને બે બાળકના પિતા એવા આરોપી સાથે પ્રેમ સંબંધ હોવાથી, લગ્ન કરવા દબાણ કરતા મળ્યું મોત
- મહુવાના તાવેડા ગામે વાડીમાં અવાવરુ કુવામાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ
મહુવા: મૃતક મહિલાના ભાઈ ગોપાલ મનસુખભાઈ બારૈયાએ 20 જાન્યુઆરીના રોજ તેની બહેન ઘરેથી લોટ દળવા ગઈ એ પછી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. નેસવડ ગામની મહિલાને બે સંતાનોના પિતા અને પરણિત એવા આધેડ સાથે પ્રેમ હોય તેની સાથે રહેવા જતી રહી હતી. મહિલાએ વાંરવાર લગ્ન કરવા દબાણ કર્યુ હતું. જેથી કંટાળીને મહિલાને વાડીના કુવામાં નાખી હત્યા કરી નાખી હતી. મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા આશાબેન મનસુખભાઇ બારૈયા (ઉ.વ 28) 20 જાન્યુઆરીના રોજ ઘરેથી ઘંટીએ લોટ દળવા જાવ એમ કહી ભાગી ગઇ હતી અને ઘરે પરત ન ફરતા તેમના ભાઈ ગોપાલભાઈ બારૈયાએ મહુવા પોલીસમાં 22 જાન્યુઆરીના રોજ આશાબેનના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શકના આધારે અને મહિલાના ફોનની કોલ ડિટેઇલના આધારે આરોપીને શકના દાયરામાં લીધો હતો અને પૂછપરછ કરતા ભાંગી પડયો હતો. ત્યારબાદ આરોપીઓ કબૂલાત કરી હતી.
મહિલા તેના ઘરેથી નીકળી આરોપી પાસે જતી રહી હતી અને બીજી જગ્યા એ તેમને રાખવામાં આવી હતી. 25 જાન્યુઆરીના રોજ રાત્રે વાડીએ કુવા પાસે આખી રાત મહિલા અને તેનો પ્રેમી બેઠા હતા અને લગ્ન કરવાની જીદ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીએ વહેલી સવારના 5 વાગે આશાબેનની હત્યા કરીને મૃતદેહને તેની વાડીના કુવામાં ફેંકી દીધો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે શેલાર એભલ ભાઈ શીઢા પરણિત અને બે બાળકોનો પિતા છે. મહિલા તેના ખેતરમાં ખેત મજૂરી કરવા આવી ત્યારથી તેને પ્રેમ થયો હતો. તેઓ અવાર-નવાર વાડીએ મળતા હતા. જ્યારે આશાબેનના અગાઉ લગ્ન થયા હતા પણ તેણી સાસરેથી પરત પિયર તેમના ગામ નેસવડ આવી ગયા હતા.
આરોપીને નજરકેદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
આ ગુનાને ડિટેઈક કરવામાં મહુવા પોલીસના પી.આઈ. ડી.ડી.ઝાલા તથા ડી સ્ટાફના બનેસિંગ અને રાહાભાઈ વી.એ ઝીણવટભરી તપાસ કરીને ગણતરીની કલાકોમાં જ ગુનો ડિટેક્ટ કરીને આરોપીને નજરકેદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.