ભાવનગરના મહારાજા તખ્તસિંહજી એ પોતાની પ્રજાના કલ્યાણ અર્થે ઇ.સ 1872ના દીવાન ગૌરીશંકર ઓઝાની યાદમાં ગૌરીશંકર સરોવરની રચના કરી હતી. સરોવરની રચનામાં ભૌગોલિક પરિસ્થિતિને જોઈ સમગ્ર શહેરને પાણી મળી રહે તેનું ખૂબ સારી રીતે ધ્યાન રખાયું હતું. ઉપરવાસના વિસ્તારમાં વરસાદ પડે એટલે સીધું સરોવરમાં પાણી આવે અને તે પાણીનો પ્રજા ઉપયોગ કરી શકે, રજવાડા ગયા અને લોકશાહીનું સ્થાપન થયું. 1948માં સરોવરની જાળવણીની જવાબદારી મ્યુનિસિપાલિટીને સોંપાઈ જે હાલ ભાવનગર મહાનગરપાલિકા સંભાળી રહી છે.
રજવાડાના સમયમાં જે રીતે ગૌરીશંકર તળાવની જાળવણી થતી હતી તેવી જાળવણી કરવામાં હાલનું તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી યેનકેન પ્રકારે ખાનગી સંસ્થાઓને લાભ કરાવવા ગૌરીશંકર તળાવને પૂર્ણ સપાટીએ ભરાવા દેવામાં આવતું ન હતું. સમગ્ર પાણીને દરિયામાં વહાવી દેવામાં આવતું હતું. પ્રજાએ ગૌરીશંકર તળાવને બચાવવા લડત શરૂ કરી જેને વિરોધ પક્ષે પોતાનો મુદ્દો બનાવી ટેકો આપવાનું શરૂ કર્યું. અંતે આંદોલનના મંડાણ થયા, સમિતિ દ્વારા કરાયેલા ઘણા પ્રયત્નો બાદ પ્રજાનો મૂડ પામી ગયેલી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ.
શહેરના લોકોના અથાગ પ્રયત્નોના કારણે સતત સાત વર્ષ બાદ ગૌરીશંકર તળાવ પૂર્ણ સપાટી એ ભરાવા જઈ રહ્યું છે. પરંતુ, શાસકોને જાણે આ મંજુર ન હોય તેમ ગૌરીશંકર તળાવના થાપનાથ મહાદેવ મંદિર તરફના મુખ્ય દરવાજાનું યોગ્ય સમારકામ ન થવાના કારણે મહામુલા પાણીનો દરવાજાની નીચેથી વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓને ધ્યાને આવતા વારંવાર રજૂઆતો કરવામાં હતી. જેને લઈને તંત્ર દ્વારા હંગામી ધોરણે લીકેજ બંધ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.