ભાવનગર: શહેરમાં મનપામાં નવા ભળેલા ગામો નીચે આવતી સોસાયટીઓને વેરાનું બિલ આપ્યા બાદ હવે ડખ્ખો સર્જાયો છે. લોકોએ જણાવ્યું કે, વેરો લેવાની વાત અગાઉ જણાવી હોત તો સોસાયટી પાણીની ઔપચારિક લાઈનનો સ્વીકાર કર્યો નહોત. જ્યારે મનપાએ તો પાણીનું બિલ ભરવું જ પડશે તેમ જણાવી હાથ ઊંચા કર્યા છે.

ભાવનગર મહાનગરપાલિકામાં 2015માં નવા ગામો ભળ્યા બાદ ગામડાની પંચાયતમાં આવતી અને શહેરના છેવાડાની સોસાયટીઓને પ્રાથમિક સુવિધાના નામે ઘણી તકલીફો સામે આવી છે. ભાવનગરના સીદસર ગ્રામ પંચાયત હેઠળની સોસાયટીઓ મનપામાં ભળી તો ગઈ છે, પણ હજી કબજો લેવામાં આવ્યો નથી. ત્યારે સોસાયટીના લોકોને પાણીનો પ્રશ્ન અને મકાન વેરો આપી દેવાતા લોકોમાં રોષ ફેલાયો છે.

ગ્રામ પંચાયતમાંથી મનપામાં ભળ્યા બાદ સીદસર પાસેની હિલપાર્ક, સ્વસ્તિક પાર્ક જેવી અનેક સોસાયટીને પાણી માટે મનપાએ સીધી લાઇન આપી હતી. હિલપાર્ક સોસાયટીને પોતાની ટાંકી હોઈ તેમાં જોડાણ આપ્યું હતું. બાદમાં વિતરણની જવાબદારી સોસાયટી નિભાવતી હતી. જો કે ઔપચારિક લાઇન આપતા સમયે જે તે સમયે વેરો આવશે તેવી કોઈ સ્પષ્ટતા થઈ નહતી. હવે ચાર પાંચ વર્ષનો વેરો મનપાએ સીધો આપતા તેમાં 5 થી 7 હજાર જેવા પાણીના વેરાના પૈસા ઉમેર્યા છે. જેનો સોસાયટીના લોકોએ વિરોધ કર્યો છે.
