ભાવનગર : કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વ્હીકલ સ્ક્રેપ પોલિસી લાવવા માટે 2021 માં વિચારણા કરવામાં આવી હતી. જેમાં સાત જેટલી કંપનીઓ સાથે MoU કર્યા હતા. તેમાંથી ત્રણ જેટલી કંપનીઓ ભાવનગર શહેરની છે. પરંતુ બે વર્ષ વિતવા છતાં એક પણ સ્ક્રેપ યાર્ડના કોઈ ઠેકાણા જોવા મળતા નથી. જોકે, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ત્રણ કંપનીઓના મન બદલાઈ ગયા છે. આ બાબતે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સને પૂછવામાં આવ્યું તો તેઓએ શબ્દોની મારામારીમાં શું કહી દીધું જાણો...
વ્હીકલ સ્ક્રેપ પોલિસી : કેન્દ્ર સરકારે વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ દેશમાં 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં ધકેલવા માટે નીતિ બનાવી લીધી હતી. ત્યારે આ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા માટે ગુજરાતમાં સાત જેટલી કંપનીઓ સાથે MoU થયા હતા. જે પૈકી ત્રણ જેટલા સ્ક્રેપ યાર્ડ ભાવનગરને મળ્યા હતા. જેમાં મોનો સ્ટીલ, મોડેસ્ટ અને માસ્કોટ સ્ટીલ કંપનીનો સમાવેશ થયો હતો. દેશમાં 15 વર્ષ જૂના વાહનોના સ્ક્રેપને સરકારે નિશ્ચિત કરેલા સ્ક્રેપ યાર્ડમાં જ મોકલવાના હતા. ગુજરાતમાં આશરે પાંચ કરોડ જેટલા વાહનો સ્ક્રેપમાં આવવાની પુરી શક્યતા હતી.
કંપનીઓનો મૂડ બદલાયો ? ઉલ્લેખનિય છે કે, ભાવનગરની ત્રણ કંપનીઓ શહેરના નવાગામ, ઘોઘા જેવા વિસ્તારમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવાની હતી. કેન્દ્ર સરકારની કાગળ ઉપર થઈ ગયેલી કાર્યવાહી અને MoU થયા બાદ બે વર્ષે પણ નીતિ સ્પષ્ટ થઈ નથી. ત્યારે હવે ક્યાંક વાતાવરણ બદલાયું હોય તેવું સાંભળવા મળી રહ્યું છે.
વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે હજુ કોઈ જમીન ફાળવવામાં આવી નથી. ઉપરાંત નીતિ સ્પષ્ટ નથી અને વિલંબ જરૂર થયો છે જેથી સપનું સાકાર થયું નથી. જોકે, એક કંપની જાય તો બીજી આવવા માટે તૈયાર હોય છે. એટલે એ બાબતને લઈને કોઈ ચિંતા કરવા જેવું નથી.-- દિલીપ કામાણી (પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ-ભાવનગર)
વ્હીકલ સ્ક્રેપ યાર્ડનો ફાયદો : ભાવનગર શહેરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવે તો તેની બજાર પર સીધી જ અસર થવાની છે. અલંગના કારણે શ્વાસ લેતી ચાલતી રોલિંગ મિલની સંખ્યા હાલમાં ઘટી ગઈ છે. ભાવનગર અને સિહોરમાં અંદાજે 70 થી 80 જેટલી રોલિંગ મિલ ચાલે છે. જેનું વાર્ષિક ટર્નઓવર 4000 ટન છે. જો વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવે તો આ રોલિંગ મિલોનું ટર્નઓવર 8000 ટન થઈ શકે તેવું ઉદ્યોગકારોનું માનવું છે. આથી વ્હીકલ યાર્ડને પગલે આઠ કલાક ચાલતી મજૂરોની પાળી 16 કલાક પણ કરવી પડે તો નવાઈ નહીં. વ્હીકલ સ્ક્રેપ યાર્ડનો સૌથી મોટો ફાયદો રોલિંગ મિલને જરૂર છે.
સ્થાનિક વ્યાપારનું ગણિત : ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ આવી રહ્યા છે. તેને પગલે સૌથી વધારે ચિંતા ભંગારનો વ્યવસાય કરતા વેપારીઓને ઊભી થઈ હતી. જુના વાહનોની ખરીદી કરીને તેના સારા સ્પેરપાર્ટસ વહેંચતા ભંગારીયોને માથે રોજગારીને પગલે સમસ્યા ઊભી થવાના પુરા એંધાણ વર્તાય રહ્યા છે.
સ્ક્રેપ વ્યાપારીની ચિંતા : ભાવનગરના વ્હીકલ સ્ક્રેપના વ્યાપારી સિકંદર સોલંકીએ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જુની ગાડીઓના સામાન લે-વેચને પગલે અનેક પરિવારોને રોજી રોટી મળી રહી છે. વ્હીકલ સ્ક્રેપ યાર્ડને પગલે સ્ક્રેપનો વ્યવસાય કરતા વ્યાપારીઓને કાયદેસર મંજુરી આપવામાં આવે તો અનેક પરિવારોને રોજી રોટી પણ મળી રહેશે. આથી આ દિશામાં પણ વિચારવું જોઈએ તેવું મારું માનવું છે.