- વાવાઝોડાના પગલે રસ્તામાં વિજપોલ, વૃક્ષો અને દીવાલો પડ્યા હતા
- 7 દિવસ પછી પણ વિજપોલ, વૃક્ષો અને દીવાલો અકસ્માત સર્જે તેમ પડેલા છે
- 1,100 પૈકી 750 જેટલા વૃક્ષો 10 જેટલી ટીમો દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા
ભાવનગર : શહેર અને જિલ્લામાં વાવાઝોડાએ મચાવેલી તબાહીમાં શહેરમાં હજુ પણ વાવાઝોડાના શમણાં હટતા નથી. શહેરમાં ઠેર-ઠેર પડેલા રસ્તાની બાજુમાં વિજપોલ, વૃક્ષો અને દીવાલો અકસ્માત સર્જે તેમ છે પણ સ્થાનિક તંત્રને વૃક્ષો હટાવવામાં રસ નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
વિજપોલ અને દીવાલો અકસ્માત સર્જે તેવી સ્થિતિમાં
રસ્તામાં અડચણ રૂપ વૃક્ષો, વિજપોલ અને દીવાલો અકસ્માત સર્જે તેવી સ્થિતિમાં છે. વાહનને લઈને નીકળતા વ્યક્તિની થોડી ચૂક તેના જીવનું જોખમ સર્જે તેમ પડેલા વૃક્ષો સામે વાવાઝોડાને અઠવાડિયું વીત્યા છતાં હટાવવામાં આવ્યા નથી.
250થી 300 વૃક્ષો હશે જેને લઈને હાલ ટીમ કાર્યરત
વાવાઝોડામાં 1,100 આસપાસ વૃક્ષો ધરાશાયી થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગાર્ડન વિભાગના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 1100 આસપાસ પૈકી 750 જેટલા વૃક્ષો અંદાજે 10 જેટલી ટીમો દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે. 250થી 300 વૃક્ષો હશે જેને લઈને હાલ ટીમો કાર્યરત છે. થોડા દિવસોમાં બચેલા વૃક્ષો પણ ઉપાડી લેવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં વાવાઝોડાના પગલે 137 વૃક્ષો ઘરાશાયી, ફાયર વિભાગને 200 કોલ વેઈટિંગમાં
PGVCL નવો વિજપોલ નાખે એટલે જૂનો તાત્કાલિક ઉપાડવાનો હોય
વિજપોલ પડ્યા પછી તેની બાજુમાં નવા વિજપોલ નાખવામાં આવ્યા છે. પરંતુ બાજુમાં તૂટેલા વિજપોલ રસ્તા વચ્ચે હોવા છતાં ઉઠાવવામાં આવ્યા નથી. મહાનગરપાલિકાના રોડ વિભાગના એમ. ડી. મકવાણાએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે PGVCL નવો વિજપોલ નાખે એટલે જૂનો તાત્કાલિક ઉપાડવાનો હોય છે. જો ક્યાંય રહી ગયા હશે તો જાણ કરીને ઉઠાવવા જણાવશું તેમ જણાવ્યું હતું. જોકે, સરકારી તંત્રના વિભાગોના જવાબ વચ્ચે જોઈએ તો 30 જેટલા વિજપોલ આશરે શહેરમાં હશે. જેને PGVCL દ્વારા લેવામાં આવ્યા નથી અને અકસ્માત નોતરે તેવી સ્થિતિમાં પડ્યા છે.