ભાવનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં યાત્રામાં દેશ-વિદેશમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉંની યાત્રા માં જોડાયા હતા. અપૂર્વ ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછંળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી.
જ્યાં અનંત આત્માઓ મોક્ષને પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. ફાગણ સુદ તેરસના દિવસે દર વર્ષે આ છ ગાઉની યાત્રા યોજાય છે, ત્યારે વહેલી સવારના પાલીતાણા શેત્રુંજય ગીરીરાજની તળેટી માંથી જયજય આદિનાથના જયઘોષ સાથે વિધિવત પ્રારંભ થયો હતો.
આં છ ગાઉંની યાત્રામાં દેશભર ઉપરાંત વિદેશમાંથી સિત્તેરથી ૫હજાર શ્રાવક શ્રાવિકાઓ, સાધુભગવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ સિદ્ધવડ પાલમાં એક લાખ કરતા વધુ ત્રિકો અને સ્થાનિકો જોડાયા હતા. છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે, પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા.
માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે, ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે, ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.આ યાત્રા કરવા જૈનો ઉપરાંત જૈનેતર યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં આવે છે.
પાલમાં દરેક યાત્રિકોની દૂધ-પાણીથી જમણા પગનો અંગુઠો ધોઈ, કુમકુમનું તિલક કરી સંઘપૂજન કરવામાં આવે છે, જયારે પાલમાં ફ્રુટથી શરુ કરી ને અનેક વાનગીઓઆ પીરસવામાં આવે છે. તેમજ અહી તપસ્વીઓ માટે એકાસણા-બિયાસણા,આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદ્પુર પાલ સૂધી ઠેર-ઠેરઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત છ ગાઉની યાત્રા પૂરી કરીને આવતા યાત્રિકો માટે ઠેર ઠેર મેડીકલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સામાન્ય ડ્રેસિંગથી કાડીયાક સુધીની પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તો કેટલીક સંસ્થાઓ દ્વારા મસાજ, પગનો મસાજ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે અને યાત્રાળુ પોતાનો તમામ થાક ભૂલી જાય તેવી રીતે સેવાઓ આપવામાં આવે છે. આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે. પણ એક વખત યાત્રા કરી હોય તેને ફરી પણ યાત્રા કરવાનું ચોક્કસ મન થાય છે.