ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં વાવાઝોડાના પગલે ફૂંકાયેલા ભારે પવનના કારણે વૃક્ષ નીચે ઉભેલા ત્રણ આખલાઓ પર અકસ્માતે જીવતો વીજવાયર પડતા ત્રણે આખલાઓના વીજ શોકના કારણે ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત પશુઓના મૃતદેહનો નિકાલ કર્યો હતો.
જો કે, આ ઘટના સ્થળની અત્યંત નજીક જ આંગણવાડી આવેલી હતી. જો જીવતો વીજવાયર આ આંગણવાડી પરિસરમાં પડ્યો હોત તો અહીં મોટી દુર્ઘટના થવાની દહેશત વર્તાઇ હોત. જોકે સદનસીબે દુર્ઘટના ટળી હતી. પરંતુ, આ બનાવે વધુ એક વખત વીજ કંપનીની પોલ છતી કરી હતી.