ભાવનગરઃ જિલ્લામાં અનેક દુર્લભ સ્થાપત્યો સાથે અર્વાચિન ઈતિહાસ સાથે સંબંધ ધરાવતા શિવાલયો-મંદિરો, મઠો સહિત ઘણા આશ્રમ આવેલા છે. જે પૈકી એક માળનાથ મહાદેવનું મંદિર ભાવનગરથી 25 કિલોમીટર દૂર કોબડી અને ભંડારીયા ગામની વચ્ચે આવેલું છે.
આ મંદિર અનેક ડુંગરની માળાઓ વચ્ચે સાક્ષાત પ્રકૃતિની ગોદમાં બિરાજમાન છે. આ મંદિરની દંતકથા કંઈક એવી છે કે, ગોહિલવાડની પૂર્વ રાજધાની અને ઐતિહાસિક ગઢ એવા ભાવનગરની ખાડીમાં આવેલા પિરમબેટ ખાતે રહેતા એક નગરશેઠની ગાયોનું ધણ 9 કિલોમીટરનો દરિયો ઓળંગી ભંડારીયાના ડુંગરમાં ઘાસ ચરવા માટે આવતી હતી. એક વખત એક ગાય ડુંગરના ચોક્કસ સ્થળે આવી ઉભી રહેતી હતી અને તેના આંચળમાંથી આપ મેળે દૂધ દોહવાઈને જમીનમાં ઉતરી જતું હતું.
આ ઘટના રોજેરોજ બનતા નગરશેઠે આ ગાયને ગૌશાળામાં જ બાંધી રાખી ચરવા ન જવા દેતાં ભગવાન શિવે નગરશેઠને સ્વપ્નમાં આવી દર્શન આપ્યાં હતા અને જણાવ્યું કે, તારી ગાયના દૂધનો અભિષેક મારા પર થાય છે. આથી તું એ ગાયને ચરવા છોડી દેજે અને એ ગાય જ્યાં દૂધ આપે છે તે સ્થળે ખોદકામ કરાવજે. જેમાંથી મારૂં શિવલિંગ નિકળશે એની સ્થાપના કરાવજે... બસ આ આદેશ મળતાની સાથે જ નગરશેઠે તે સ્થળે ખોદકામ કરાવતા શિવલિંગ નિકળ્યું હતું.
આ શિવલિંગ જમીનમાં કેટલું ઉંડુ છે એ હજું સુધી જાણી શકાયું નથી. સૌ પ્રથમ નગરશેઠે અને બાદમાં ભાવનગર રાજવી પરિવારે મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો. હાલમાં અનેક ગામના લોકો માળનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
કળીયુગમાં પણ માળનાથ મહાદેવ દિન દુઃખીયાઓના દુઃખ દૂર કરી અભય કરે છે. માળનાથ મહાદેવનું સાનિધ્ય અત્યંત રમણીય છે અને પ્રકૃતિએ ખોબલે-ખોબલે અહીં સૌંદર્ય વેર્યું છે. શ્રાવણ માસમાં શિવભક્તોનો અવિરત સમૂહ દર્શન-પૂજન માટે આવે છે. આ માળનાથ મહાદેવનું અલૌકિક સાનિધ્ય લોકોએ માણવા જેવું છે.