- આવતીકાલ શુક્રવારથી મહુવાના હીરાના કારખાના રહેશે બંધ
- 500 જેટલા હીરાના કારખાનામાં અંદાજે 35,000 જેટલા રત્ન કલાકારો કરે છે કામ
- આઠ દિવસ માટે કારખાના રહેશે બંધ
ભાવનગર : મહુવામાં કોરોના તેજ ગતિથી દોડી રહ્યો છે. મહુવાના હનુમંત હોસ્પિટલ તેમજ સમરસ કોવિડ સેન્ટર અને સદભાવના હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં પણ કોવિડના દર્દી માટે બેડ નથી, ત્યારે વધી રહેલા કોરોના સંક્રમણથી બ્રેક મારવા મહુવા ડાયમંડ એસોસિએશન દ્વારા મહુવાના પાંચસો જેટલા યુનિટો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ભાવનગર શહેરની બજારોમાં લોકડાઉન જેવો માહોલ, વેપારીઓએ આવકાર્યો નિર્ણય
35,000 જેટલા કામદારોની રોજી રોટીને અસર
મહુવામાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલા છે. તેમજ મહુવાના તમામ ઉદ્યોગમાંથી પચાસ ટકા હીરામાંથી રોજગારી મેળવે છે. મહુવાના આજુબાજુના 70 ગામોમાંથી રત્ન કલાકારો મહુવામાં હીરા ઘસવા આવે છે. આમ મહુવાનો હીરા ઉદ્યોગ 35,000 લોકોને રોજીરોટી આપે છે.
આ પણ વાંચો : ભાવનગરમાં અત્યાર સુધીના સૌથી વધારે કોરોનાના નવા 536 કેસ નોંધાયા
કામદારો નજીક નજીક બેસતા હોવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધારે
હીરા ઘસતા કામદારો નજીક નજીક બેસતા હોવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધારે હોય છે, જ્યારે હીરા ઘસતા કામદારો કામ કરતા સમયે માસ્ક પણ પહેરતા ન હોવાથી મહુવાના હીરાના કારખાનાઓ દ્વારા અને એસોસિએશનના નિર્ણયથી આઠ દિવસ હીરાના કારખાના બંધ રાખવાનું નક્કી કરાયું છે. તેમ છતાં કોઈ કારખાનેદાર યુનિટ ચલાવશે અને પોલીસ કે સરકાર કોઈ કાર્યવાહી કરશે તો એસોસિએશન તેમાં દખલ નહિ કરે તેવી સ્પષ્ટ ચીમકી એસોસિએશનના પ્રમુખ તખુભા વાળાએ આપી છે.