- વાલર ગામે ખેડૂત પર સિંહે હુમલો કર્યો
- ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો
- આ વિસ્તારમાં 10 દિવસમાં આ ત્રીજી ઘટના
ભાવનગરઃ જિલ્લાના તળાજાના વાલર ગામે ખેડૂત પર સિંહે હુમલો કર્યો હતો. જેથી તેમને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હજુ થોડા દિવસ પહેલા જ મહુવા તાલુકાના ગલથર ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત ઉપર સિંહે હુમલો કર્યો હતો. તેમજ 10 દિવસ પહેલા મહુવા તાલુકાના કસાણ ગામે દિપડાએ એક યુવતી પર હુમલો કર્યો હતો, ત્યારે આજે ફરી પાછો તળાજાના વાલર ગામે સિંહે ખેડૂત પર હુમલો કર્યો છે.
આ વિસ્તારમાં પશુ તો છે પણ હેરાન ગતિ નથી
રેંજ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું કે, આ વિસ્તારમાં પશુ તો છે પણ હેરાન ગતિ નથી. રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યાં મુજબ આ વિસ્તારમાં સિંહ અને અન્ય પશુ તો છે અને એ સિમમાં રાત્રે તો નીકળે છે પણ તેની કોઈ હેરાન ગતિની ફરિયાદ નથી આથી અમે કોઈ એક્શન લીધું નથી. તેમને પૂછવામાં આવ્યું કે સિંહો કેમ માનવ ભક્ષી થાય છે, તો તેનો જવાબ આપતા તેઓએ જણાવ્યું કે, ટોળામાં નીકળેલા સિંહો તેના ટોળામાંથી વિખુટા પડે ત્યારે તે સિંહણ કે તેના બચ્ચાને ન જુએ અને એ જગ્યાએ તેમને માણસ કે અન્ય કોઈ દેખાય તો એ તેમના પર હુમલો કરે છે, કારણ કે તેમને એવું લાગે કે આ તેમના સાથી પર હુમલો કરશે કદાચ આવું બને તે માટે હુમલો કરી શકે.
ખેડૂતોને દિવસે લાઈટ આપવા માંગ
થોડા દિવસ પહેલા જાગધાર અને લોન્ગડીની સિમમાં રાત્રે સિંહો નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ખેડૂતોને મોટાભાગે વીજળી રાત્રે જ મળે છે, જેથી ખેડૂતોને પિયત માટે રાત્રે ખેતરે જવુ પડે છે, ત્યારે હાલ રાત્રે સિંહો અને પશુના હુમલા શરૂ થયા હોય રાત્રી ના બદલે વીજ પુરવઠો દિવસમાં અપાય તો આ ભયમાંથી મુક્ત થવાય અને દિવસના કામ થાય અને રાત્રે નીકળતા પશુનો ભય ટળે તે માટે ટુક સમયમાં સરકારને રજુઆત કરવામાં આવશે.