- રોપેક્ષ ફેરી સર્વિસ સફળતાના શિખરો સર કરી રહી છે.
- 8 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધીમાં અંદાજીત 26,600 જેટલા પ્રવાસીએ લીધો લાભ
- રોપેક્ષ ફેરી સર્વિસમાં 4561 કાર, 1780 ટૂ વ્હીલર્સ અને 500 ટ્રકનું ટ્રાન્સપોર્ટશન કરવામાં આવ્યું
- રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થયાના એક મહિના પર કરીયે નજર
ભાવનગરઃ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસનો પ્રારંભ ગત 8 નવેમ્બરના રોજ હજીરા પોર્ટ ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. ઘોઘાથી હજીરા ફેરી સર્વિસ થયાને એક મહિનાનો સમય થવા આવ્યો છે, ત્યારે ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ કેવા પ્રકારની ચાલી રહી છે તેના સમયપર નજર કરવામાં આવે તો છેલ્લા એક મહિના એટલે કે 8 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધીમાં અંદાજીત 26,600 જેટલા પ્રવાસી દ્વારા રોપેક્ષ ફેરી સર્વિસનો લાભ લેવામાં આવ્યો છે, ઉપરાંત 4561 કાર, 1780 ટૂ વ્હીલર્સ અને 500 ટ્રકનું ટ્રાન્સપોર્ટશન કરવામાં આવ્યું છે.
ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી કેટલી ટ્રીપ ચાલી રહી છે
ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસનો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો દ્વારા સારો એવો પ્રતિસાદ મળતા ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સફળતાના શિખરો સર કરી રહી છે. રોપેક્ષ ફેરીમાં પ્રવાસીઓ દ્વારા આ દરિયાઈ મુસાફરી દરમ્યાન સમુદ્ર ક્રુજનો એક અનોખો નજારો જોઈ આનંદિત થાય છે. તો બીજી તરફ વેપારીઓને પોતાના રોજગાર અને ટ્રાન્સપોર્ટ માટે બાય રોડ લાગતા સમયમાં ઘટાડો થતા ટ્રાન્સપોર્ટશન સહેલું થયું છે જેના કારણે જહાજ દ્વારા જ મોકલવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી દિવસમાં ત્રણ ટ્રીપ મારવામાં આવે છે, જેમાં દરરોજ સવારે 8 વાગ્યે હજીરા (સુરત)થી રવાના થાય છે, 12:30 કલાકે ઘોઘા (ભાવનગર) આવે છે, ઘોઘા બપોરે 3:00 કલાકે રવાના થાય છે અને રાત્રે 2 વાગ્યે હજીરા પહોંચે છે.