- પાલીતાણામાં ગંદકીનો પાર નહીં
- યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ છતાં છે દુર્દશા
- સ્વચ્છ ભારત અભિયાનમાં શૂન્ય પરિણામ
- વારંવાર રજૂઆત છતાં પણ નથી થતો કચરાનો નિકાલ
ભાવનગરઃ પાલીતાણા નગરપાલિકાને કચરો કે ગંદકી સાફ કરવામાં કોઈ રસ ન હોય તેમ કચરા અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે. આ ગંદકી અને કચરાના કારણે શહેરીજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
જૈનોનું મહાતીર્થ છે પાલીતાણા
ભાવનગર જિલ્લાના પાલીતાણાને જૈનનું મહાતીર્થ ગણવામાં આવે છે. હાલ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ અભિયાનના મોટા મોટા દાવાઓ કરે છે અને રાજ્યમાં ગંદકી અને કચરો ન રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે તેવીવાતો કરે છે, પરંતુ રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનના અહીં લીરેલીરા ઉડતાં જોવા મળી રહ્યા છે.
વેરાવસૂલી પૂરેપૂરી પણ સુવિધાના નામે શૂન્ય
પાલીતાણા નગરપાલિકા તંત્ર સરકારના સ્વચ્છતા અભિયાનની એસી કી તૈસી કરી રહી હોય એવું લાગી રહ્યું છે. પાલિતાણા તળેટી વિસ્તારથી લઈ છેક છેવાડાના વિસ્તારમાં ગંદકી અને કચરો ગલીએ ગલી અને શેરીએ શેરીએ જોવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર લોકો પાસે ઘરવેરા, કરવેરા, નળ બિલ સહિતના વેરાઓ વસૂલ કરે છે, પરંતુ સુવિધાના નામે માત્રને માત્ર મીંડું છે. પાલીતાણાવાસીઓને ગંદકી અને કચરાના સામ્રાજ્યમાંથી ક્યારે છૂટકારો મળશે તે તો આવનારો સમય જ બતાવશે.