- માઈનિંગને કારણે આસપાસના ભૂર્ગભ જળ પ્રદૂષિત
- ઘોઘા તાલુકાના 7 ગામના પાણીના સેમ્પલ લેવાયા
- સેમ્પલના રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી કામ બંધ રાખવા ખેડૂતોની માગ
ભાવનગર: ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાના બાડી પડવા સહિતનાં સાત ગામની આસપાસના વિસ્તારોમાં GPCL કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગનાં કારણે ખેતી તેમજ ભૂગર્ભ જળના સ્ત્રોત ખરાબ થઇ જવાની ભીતિને લઈને ગ્રામજનો દ્વારા જ્યાં સુધી ભૂગર્ભ જળ અને જમીન ખસવાની ઘટનાનાં રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગને બંધ કરવા સરકાર પાસે માગ કરવામાં આવી છે.
![ઘોઘા તાલુકાના 12 ગામનાં લોકો દ્વારા પ્રદૂષિત ભૂગર્ભ જળ મુદ્દે સરકારને રજૂઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-bhurgbh-jal-pardushit-pkg-rtu-gj10030_04122020205918_0412f_1607095758_427.jpg)
ખેતીની જમીન અને ભૂગર્ભ જળ થઈ રહ્યાં છે ખરાબ
GPCL કંપની દ્વારા ગત 2 વર્ષથી બાડી પડવા સહીત 12 ગામની જમીન સંપાદન કરી તેમાં લિગ્નાઈટ માટે માઈનિંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનો દ્વારા 2 વર્ષથી કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા કંપની સામે આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે, કંપની દ્વારા માઈનિંગ કરવાના કારણે તેઓની ખેતીની જમીન ખરાબ થઇ રહી છે અને ભૂગર્ભ જળના સ્ત્રોત પણ ખરાબ થઇ રહ્યા છે. થોડા સમય પહેલાં અચાનક જ ડમ્પિંગ આસપાસની જમીન ઉંચી આવી જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
![ઘોઘા તાલુકાના 12 ગામનાં લોકો દ્વારા પ્રદૂષિત ભૂગર્ભ જળ મુદ્દે સરકારને રજૂઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-bhurgbh-jal-pardushit-pkg-rtu-gj10030_04122020205918_0412f_1607095758_136.jpg)
શું છે ખેડૂતોની માંગણી?
બાડી પડવા સહીતનાં સાત ગામનાં લોકોનું કહેવું છે કે, GPCL કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગને કારણે ખેતીનાં પાક જે પહેલાં ડુંગળી અને મગફળીનો મબલક પાક લઈ શકાતો હતો તે પાક લઈ શકાતા નથી. ખરાબ ભૂગર્ભ જળ અને તળાવનાં પાણી દૂષિત થતાં પશુઓ આ પાણી પીતા નથી અને પીવે તો તેમના આરોગ્યને ગંભીર નુકસાન થાય છે. ખાણ વિસ્તાર વધતાં સ્થાનિક ગ્રામજનોને ભૂજળ અને પાણીના અન્ય સ્ત્રોતોને હજુ વધુ ગંભીર નુકસાન થવાની ભીતિ સર્જાતા જ્યાં સુધી લેવામાં આવેલા ભૂગર્ભ જળના રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી કંપની દ્વારા કરવામાં આવતા માઈનિંગને બંધ કરવા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે.