ભાવનગરઃ સમગ્ર જિલ્લામાં રક્ષાબનાધન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ છે. નાના મોટા દરેક ભાઈઓએ બહેનો પાસે રાખડી બંધાવીને આશીર્વાદ મેળવ્યા અને આપ્યા છે. બ્રાહ્મણો સારા મુહૂર્તમાં યજ્ઞોપવિત પણ બદલતા હોય છે. આજે બ્રાહ્મણ સમાજ દ્વારા સમૂહમાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો.
જેલમાં રક્ષાબંધનની ઉજવણીઃ ભાવનગર જિલ્લા જેલમાં કેદીઓની બહેનો જેલ પરિસરમાં રાખડી બાંધવા આવી પહોંચી હતી. જેલ વિભાગ દ્વારા રાખડી બાંધી શકાય તે માટે ખાસ વય્વસ્થા દર વર્ષે કરવામાં આવે છે. કેદીઓને પણ રક્ષા કવચ રૂપે રાખડી બાંધીને બહેનોએ મોઢું મીઠું કરાવ્યું હતું. જેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
રક્ષાબંધન એટલે બ્રાહ્મણો માટે બમણી ઉજવણીઃ શ્રાવણ માસમાં સુદ પૂનમ એટલે રક્ષાબંધન. બ્રાહ્મણો માટે રક્ષાબંધનનો પર્વ બેવડો ઉત્સવ બની જાય છે, કારણ કે આજે બ્રાહ્મણ ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે છે. ઉપરાંત બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જનોઈ બદલે છે. ભાવનગર શહેરમાં વિવિધ સ્થળો ઉપર બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવી હતી. આમ બ્રાહ્મણોએ રક્ષાબંધન પર્વની બમણી ઉજવણીનો આનંદ માણ્યો હતો.
આ વર્ષે રક્ષાબંધનમાં તિથિની વિસંગતતાઃ હિન્દુ તહેવારો તિથિ પ્રમાણ ઉજવાય છે. 30 ઓગસ્ટના રોજ બુધવાર હોવાથી અને તિથિ ચતુર્દશી હોવાને પગલે રાખડી બાંધવામાં મુહૂર્તને લઈને વિસંગતતા ઊભી થઈ હતી. જો કે ઘણા જ્યોતિષીઓના મતે સવારે 11 થી 12.30 સુધીનું સારું મુહૂર્ત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે ચતુર્દશી રાત્રે પૂર્ણ થતી હોવાથી પૂનમનો પ્રારંભ રાત્રે 9:30 એ થતો હોય તેથી અનેક લોકો દ્વારા રક્ષાબંધનની ઉજવણી અને જનોઈ બદલવાનું મુહૂર્તમાં ફેરફાર પણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘણા લોકો દ્વારા રક્ષાબંધનની ઉજવણી રાત્રે કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે અનેક બ્રાહ્મણોને ગુરુવારે વહેલી સવારમાં બદલવાનું મુહૂર્ત શ્રેષ્ઠ લાગ્યું હતું.