ભાવનગર DSP કચેરીમાં અરજી શાખામાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના કોન્સ્ટેબલે પોતાના જ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે બપોરના સમયે ઘરમાં કંકાશ થયો હતો. જેનો ગુસ્સો સુખદેવે પોતાના જ માસુમ બાળકો પર ઉતાર્યો હતો.ગુસ્સો એટલી હદે હતો કે, સુખદેવે તેના ત્રણેય બાળકોના ગળા તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાંખ્યા હતાં. ત્રણેય બાળકોએ તેની નજર સામે તરફડીયા મારી જીવ ગુમાવ્યો હતો.
33 વર્ષિય પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાજાભાઈ શિયાળને પત્ની સાથે અણબનાવના કારણે ઉગ્ર ઝઘડો થયો હતો. વારંવાર થતા કંકાસથી કંટાળી જઈ તેની પત્ની પિયરમાં રિસામણે જતી રહી હતી. બે દિવસ પૂર્વે તે પરત સાસરીમાં આવી હતી. રવિવારે બપોરના સમયે પતિ પત્ની વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થતાં ક્રોધે ભરાયેલ સુખદેવએ તેની પત્નીને રૂમમાં બંધ કરી દીધી હતી. ત્યારપછી તેના સૌથી મોટા પુત્ર 7 વર્ષિય ખુશાલ, 5 વર્ષિય ઉદ્દભવ તથા 3 વર્ષિય મનોનીતને વારાફરતી ડ્રોઈંગ રૂમમાં લાવી તીક્ષણ હથિયાર વડે બે રહેમીપુર્વક ગળુ કાપી કરપીણ હત્યા કરી હતી, એટલુ જ નહી તેણે જાતે જ પોલીસને કોલ કરી પોતે આચરેલા કૃત્યની જાણ કરી હતી. કોલ આવતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે હાલમાં હત્યારા બાપને પકડી લીધો છે. ઝઘડાનું કારણ શું હતુ તે પતિ -પત્ની વચ્ચેનો ઘરકંકાસ હોવાનું બહાર આવ્યુ છે. લોહીના ખાબોચીયામાં પડેલી માસુમોના મૃતદેહ જોઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હ્દયદ્રાવક અને કાળજુ કંપાવનારા બનાવથી પોલીસ અને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા છે. સૌ કોઈ આ પોલીસ કોન્સ્ટેબલ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ડીઆઈજી અશોક યાદવ, ડીએસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી મનિષ ઠાકર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.