પાલીતાણાઃ કોરોનાના કારણે મોટા ભાગના તમામ લોકોને આર્થિક નુકસાન થયું છે. બાળકોના વાલીઓને પણ ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પાલીતાણાના સાંદિપની વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની ફી માફ કરી દીધી છે. વિદ્યાલયે 400 વિદ્યાર્થીઓની કુલ રૂ. 16 લાખની ફી માફ કરી છે.
કોરોનાના કારણે મોટા ભાગના તમામ લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે મધ્યમ વર્ગના વાલીઓને પોતાના બાળકોની ફી ભરવામાં તકલીફ પડી રહી છે. પ.પૂ. અચલ ગચ્છાધિપતિ ગુણોદયસાગરસુરિશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય પ્રિયંકર મહારાજ સાહેબના આશીર્વાદથી સાંદિપની વિદ્યામંદિર સંકુલના ટ્રસ્ટી મનોજ મારૂ, વાસુદેવસિંહ ગોહિલ, આશિષ મહેતા અને નિખીલ ત્રિવેદીએ ફી માફ કરી દીધી છે.
સાંદિપની વિદ્યામંદિર દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાયપોથીઓ, ફૂલસ્કેપ ચોપડા, સ્કૂલ બેગ, નવનીત સોફ્ટવેર ફ્રીમાં એનાયત કરવામાં આવે છે. ટોટલ ફી સહિત વાલીઓને 24 લાખ જેટલી રકમની રાહત સાંદિપની વિદ્યામંદિર સંકુલ દ્વારા કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.