ભાવનગર: ભાવનગર જિલ્લો હમેશા માનવસેવામાં અગ્રેસર રહ્યો છે. ભાવનગર ટૂંકા ગાળામાં બીજુ અંગદાન થયું હોય તેવી ઘટના સામે આવી છે. ભાવનગરમાં અકસ્માતમાં ઇજા પામેલી મહિલાની અંતિમ ઇચ્છાને પરીવારે પૂર્ણ કરી છે. પરીવારે ઘરની મહિલાના અંગદાનને લઈને સમાજમાં પણ સંદેશો આપ્યો છે. ભાવનગર શહેરમાં 4 તરીખ બાદ 22 તારીખે બીજું અંગદાન થયું છે. અનેક સંસ્થાઓ દ્વારા પણ અંગદાન માટે જાગૃતિના પ્રયાસો થાય છે અને તેઓ સફળ પણ થઈ રહ્યા છે.
અંગદાન માટે ભાવેણુ અગ્રેસર: ભાવનગર શહેરમાં અનેક અંગદાન જાગૃતિના કાર્યક્રમો થયા છે. ભાવનગર શહેરમાં હાલમાં જ 4 નવેમ્બરના રોજ મહેશ બોઘાભાઈ મારુંનો અકસ્માત થયા બાદ સારવારમાં તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેને પગલે તેના પરિવાર દ્વારા પણ મહેશભાઈના અંગોનું દાન કરવા માટે તૈયારી બતાવી હતી. જેમાં પરીવારની સહમતી બાદ મહેશભાઈના અંગોને સુરત ખાતે પોલીસ સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ તેવો જ વધુ એક કિસ્સો બનવા પામ્યો છે. હવે ફરી એક મહિલા અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર થયા બાદ તેમના અંગોનું પણ દાન કરવા માટે પરીવારે પગલું ભર્યું છે. પરિવારે અંગોનું દાન કરીને સમાજના લોકોને પણ એક સંદેશો અંગદાન માટે આપ્યો હતો.
'વીણાબેન સ્કૂટર સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમને ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવારમાં રાખ્યા હતા. તેમની ઈચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવે. તેથી પરિવારે વીણાબેનના લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું છે. પોલીસ સુરક્ષા વચ્ચે લીવર અને આંખોને સુરત મોકલવામાં આવ્યા હતા. આબખો અને લિવરથી ત્રણ લોકોને નવું જીવન મળશે.' -હરિઓમ ભાઈ ભટ્ટ, મૃતકના પુત્ર
73 જેટલા અંગદાન: ભાવનગર શહેરમાં અંગદાનને લઈને લોક જાગૃતિના કાર્યક્રમો થતા રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં માનવ ઓર્ગન ટ્રસ્ટ દ્વારા પણ 73 જેટલા અંગદાનો કરાવવામાં આવી ચૂક્યા છે. આ સાથે ભાવનગર શહેરમાં રેડ ક્રોસ સોસાયટી અને સર ટી હોસ્પિટલ દ્વારા પણ અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થતું આવ્યું છે, તેના પરિણામ સ્વરૂપે આજે ભાવનગરમાં પણ બ્રેઈનડેડ થયેલા કિસ્સાઓમાં લોકો અંગદાન કરી રહ્યા છે.