- મહુવા યાર્ડમાં ડુંગળી 20 કિલોના રૂ. 500 થી વેચાણી
- ડુંગળીની નિકાસનો પ્રતિબંધ હટાવતા ભાવમાં આવી તેજી
- ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ 20 કિલોના 500
- નિકાસ બંધી ઉઠાવી લેવાના સરકારના નિર્ણયને ખેડૂતોએ આવકર્યો
ભાવનગર : મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી રૂ.500 સુધીના 20 કિલોના ભાવથી વેચાણી તાજેતરમાં ડુંગળીમાં સરકાર દ્વારા નિકાસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે લોકલમાં વેચવી પડતી હતી. જે કારણે ડુંગળીના ભાવો 200 થી 300 સુધી થતા હતા અને ખેડૂતોને માર પડતો હતો.
ગત સાલમાં વધુ વરસાદ અને પાક નિષ્ફળ જતા ખેડૂત હતા ચિંતામાં
ગત સાલ વધુ પડતા વરસાદને કારણે લગભગ બધી જગ્યાએ પાક નિષ્ફળ ગયો અને ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. જ્યારે શીંગ કપાસમાં પણ ભાવો નહીં આવતા વધુ મુશ્કેલીમાં મુકાયેલ ત્યારે સરકાર દ્વારા ડુંગળી નિકાસ ન કરવાના આદેશ પણ બહાર પડેલ ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ ઉભી થઇ હતી.
ચારે તરફથી વિરોધ થતા નિકાસની છૂટ આપી
ડુંગળીની નિકાસ બંધ કરીને ખેડૂતો અને વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામા આવ્યો હતો. જેને કારણે સરકાર દ્વારા ડુંગળીનો નિકાસ પ્રતિબંધ તુરત હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને પરિપત્ર 28/12 ના રોજ આપવામાં આવતા તેની બજારમાં પણ અસર જોવા મળી હતી. 28ના રોજ 350 થી 400 અને 29/12 ના રોજ મહુવા યાર્ડમાં 500 રૂ. 20 કિલોના ભાવથી ડુંગળી વેચાણ થઈ હતી.
ખેડૂતોમાં આનંદની લહેર
ડુંગળીના ભાવો વધતા ખેડૂતો આંનદમાં આવી ગયા હતા અને 500 જેટલા ઉંચા ભાવથી ડુંગળી વેંચતા યાર્ડમાં ડુંગળીની આવકમાં પણ વધારો થયો હતો. જેમાં 18 થી20 હજાર ડુંગળીની આવક થઈ હતી. જ્યારે હજી પણ ભાવો વધવાની શક્યતા હાલના તબક્કે દેખાઇ રહી છે.