લોકસાહિત્યમાં મુઠ્ઠી ઉંચેરા માનવી સમાન ઝવેરચંદ મેઘાણીના લોક સાહિત્યને જીવંત રાખવા માટે ખુદ સરકાર પણ સક્રિય છે. તેવામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સેનેટ હોલમાં ઝવેરચંદ મેઘાણીની જીવનકથનીને માર્મિક અને સાહિત્યિક રીતે રજુ કરવા માટે રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ 'પરિક્રમા પદચિન્હોની' શીર્ષક તળે યોજાયો હતો.
અલગ-અલગ ત્રણ બેઠકમાં યોજાયેલા આ રાષ્ટ્રીય પરિસંવાદમાં મેઘાણીના વિચારો, મેઘાણીનું સાહિત્ય, મેઘાણીના સંપાદનો, મેઘાણીની સાહિત્ય-વિચારણા, મેઘાણીની વાર્તા કલાઓ, તુલસીક્યારો અને અંતમાં મેઘાણીના નાટકો અને મેઘાણીના કાવ્યો વિષય પર વિશેષ પ્રવચન યોજાયું હતું.આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં માત્ર ભાવનગર જ નહીં, રાજ્ય અને દેશભરમાંથી ગુજરાતી ભાષા સાથે જોડાયેલા સાહિત્ય ક્ષેત્રના તજજ્ઞો અને ભાષા જીજ્ઞાસુઓએ નોંધપાત્ર સંખ્યામાં હાજરી આપી હતી.