તંત્રએ કોરોનાનો આંકડો સાંજે એક સાથે આપવાનો નિર્ણય કર્યો
કોરોનાના કેસનો આંકડો સમયસર આપવામાં ન આવતા લોકોમાં રોષ
જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 579 થઇ
ભાવનગર: શહેરમાં 11 જુલાઈના દિવસે શહેરમાં 37 કેસો સામે આવ્યા છે. ગઈકાલ કરતા વધુ ચાર કેસો સામે આવ્યા છે. તંત્રની અણઆવડત કહો કે, પછી ભૂલ હવે તંત્રએ અચાનક રિપોર્ટ આવતાંની સાથે નામ વિસ્તાર અને ટ્રાવેલ હિસ્ટ્રી આપવામાં આવતી હતી, તે બંધ કરી દીધી છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે, શું તંત્રને હવે આંકડા વધવાથી ડર સતાવી રહ્યો છે?
ભાવનગરમાં તંત્ર દ્વારા કોરોનાની કોઈપણ કેસ અંગેની માહિતી તંત્ર દ્વારા અચાનક આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. પહેલા આખો દિવસ આ માહિતી આપવામાં આવી રહી હતી, પરંતુ પાછલા અમુક દિવસોથી તંત્ર કોરોનાની કેસ નાથવામાં નિષ્ફળ રહેતા અને અમુક માહિતી મીડિયાથી અને લોકોથી છુપાવતા મીડિયા દ્વારા ગઈકાલે તંત્રને આયનો દેખાડવામાં આવ્યો હતો, ત્યારે આજે તંત્ર અચાનક જ આખો દિવસ કોઈપણ અપડેટ આપ્યું ન હતું અને મોડી સાંજે પણ ફક્ત કેસના આંકડા અને ગામના નામ આપ્યા હતા. જ્યારે દર્દીનું નામ અને વિસ્તાર જણાવવામાં આવ્યાં નથી.
હવે લોકો સવાલ કરી રહ્યા છે કે, આવો આદેશ ઉપરથી આવ્યો છે કે, ભાવનગરના વહીવટી અધિકારીઓને આયનો દેખાડતા તેઓ દ્વારા આ નવો અભિગમ ચાલુ કરવામાં આવ્યો છે. લોકશાહીમાં ચૂંટાયેલી પાખ હંમેશા વહીવટી પાંખના લોકોને આદેશ આપતી હોય છે, ત્યારે ભાવનગરમાં ચૂંટાયેલી પાખનું અસ્તિત્વ જ ન હોય તેમ વહીવટી અધિકારીઓ દ્વારા તેમની નિષ્ફળતા છુપાવવા માટે રોજ નીત નવા રસ્તાઓ અપનાવતો હોય તેવું લાગી રહ્યું છે.
લોકોને જ્યારે મીડિયા સાચી વાત પહોંચાડે છે, ત્યારે લોકો કોરોનાની ગંભીરતા સમજતા થયા છે અને કોરોના સામેની લડતમાં મીડિયા દ્વારા જીવના જોખમે પણ આજ સુધી કામ કરવામાં આવ્યું છે. તંત્રે જ્યાં સુધી સારી કામગીરી કરી ત્યાં સુધી મીડિયા તેને બિરદાવી પણ છે. અત્યારે તેની ભૂલ થઈ તેનું ધ્યાન દોરતાં આ નવો રસ્તો અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. લોકો સુધી સાચી માહિતી ન પહોંચે ત્યાં સુધી લોકોમાં જાગૃતતા આવે નહીં.
મહત્વનું છે કે, ભાવનગરમાં રવિવારે 49 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 579 થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 28 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 37 કેસો નોંધાયા છે. ભાવનગરમાં કુલ આંકડો 579એ પહોંચી ગયો છે.