ભાવનગરઃ શહેરમાં કાયદા વ્યવસ્થાની એસીતેસી કરતા ગુનાહિત પ્રવૃતિઓ કરનારા બેફામ બની ગયા છે. અનિલભાઈ નામના આધેડની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. સિંધી આધેડની હત્યાથી સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસે આરોપીને ઝડપવા કમરકસી હતી.
ભાવનગરમાં થોડા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓ વધી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં ઉપર્કોતમાં આધેડની તીક્ષ્ણ ઘા જીકીને હત્યા કરી દેવામાં આવી હતી. જાહેર રસ્તા પર આધેડની હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અનિલ રાહેજા નામના 43 વર્ષીય યુવાનની હત્યા કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યા પાછળ જૂની અદાવત હોવાનું પ્રાથમિક તરણ બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહ લેવા માટે પરિવારને જણાવતા પરિજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જેને પગલે પોલીસે સમજાવટ શરૂ કરી હતી. હત્યાને પગલે સિંધી સમાજે સ્વયંભૂ દુકાનો બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે પરિવારની માંગ છે કે, પહેલા આરોપીને ઝડપી લેવામાં આવે. જો કે પોલીસ મામલો થાળે પાડવામાં લાગી ગઈ હતી.