ભાવનગર: ભાવનગર શહેરમાં વહેલી સવારે કમિશનર અને ડેપ્યુટી કમિશનર દબાણ હટાવ કામગીરીમાં નીકળતા આરોગ્ય વિભાગ રંગેહાથ ઊંઘતું ઝડપાઈ ગયું હતું. કેટલાક કર્મચારીઓના ઠેકાણા નહોતા તો મોડા આવેલા કર્મચારીઓ કમિશનર પાસે ગેંગે ફેફે થઈ ગયા હતા. ડેપ્યુટી કમિશનરે કડકમાં કડક એક્શન લેવાની વાત પણ કરી છે.
આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા પોલ ખુલી: ભાવનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી કમિશનર અને ડેપ્યુટી કમિશનર વહેલી સવારમાં દબાણ હટાવ કામગીરી માટે જાતે જઈ રહ્યા છે. ભાવનગરના આનંદનગર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી માટે નીકળેલા કમિશનર અને ડેપ્યુટી કમિશનર અચાનક આરોગ્ય કેન્દ્ર પર ચડી બેસતા આરોગ્ય વિભાગની પોલ ખુલી ગઈ હતી. આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા મોટાભાગનો સ્ટાફ હાજર નહિ હોવાનું અને કેટલોક સ્ટાફ અનિયમિત આવતો હોવાનું નજર સામે આવતા કમિશનર લાલઘૂમ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ઉઘતું ઝડપાઈ જતા ડેપ્યુટી કમિશનરે પગલાં લેવાની ગુહાર કરી છે.
શો કોઝ નોટીસ આપીને માંગવામાં આવશે ખુલાસા: ભાવનગર શહેરમાં દબાણ હટાવવા માટે નીકળેલા ડેપ્યુટી કમિશનર અને કમિશનરે આનંદનગર આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લેતા કેટલાક કર્મચારીઓ ગેરહાજર તો કેટલાક અનિયમિત આવતા હોવાથી ખુલાસો માંગતા ડેપ્યુટી કમિશનરના સામે ગેંગે ફેફે થઈ ગયા હતા. ભાવનગર શહેરમાં કુલ 12 થી 13 જેટલા આરોગ્ય કેન્દ્ર આવેલા છે. આ તો માત્ર એક આરોગ્ય કેન્દ્રમાં હકીકત સામે આવી છે તેને લઈને કમિશનર અને ડેપ્યુટી કમિશનર હવે આગામી દિવસોમાં ત્યાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો Ahmedabad News : ગેરકાયદેસર બાંધકામની 13,425 અરજી મળી, 100થી વધુનો નિકાલ
બગાસું ખાતા પતાસું મળી ગયા જેવું થયું: બગાસુ ખાતા પતાસુ મળી ગયું તેમ કહેવું ડેપ્યુટી કમિશનર અને કમિશનર માટે ખોટું નથી. ડેપ્યુટી કમિશનર આર.એમ બ્રહ્મભટે જણાવ્યું હતું કે આજે દબાણ કામગીરી દરમિયાન આનંદનગર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં સ્ટાફ ગેરહાજર હતો તો અમુક સ્ટાફ અનિયમિત હતો. જો કે દરેક પાસે ખુલાસા માંગવામાં આવ્યા છે. શો કોઝ નોટીસ પાઠવવામાં આવશે. જો કે હોસ્પિટલમાં કોઈ ઉપસ્થિત નહીં હોવાથી આરોગ્ય અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજરીને પગલે કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવશે અને ત્યારબાદ વધુ પગલાં લેવા કે શું કરવું તેના માટે કમિશનર દ્વારા જ નિર્ણય કરાશે.