અમદાવાદ : તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. હોસ્પિટલ વિરુદ્ધ બોગસ ઓપરેશન કરી PMJAY યોજના હેઠળ સીધા પૈસા હડપી લેવાની ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર મામલે 5 આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ : અમદાવાદ શહેરના SG હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. અહીં ભોળા લોકોને અંધારામાં રાખીને સરકારી યોજનાનો લાભ લઈ પૈસા પડાવવાનું મોટું કાવતરું કરવામાં આવતું હોવાના હોસ્પિટલ પર આક્ષેપો થયા હતા. કડી તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયા બાદ આ સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું.
પાંચ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર : આ સમગ્ર કારસ્તાનના મુખ્ય સૂત્રધાર એટલે કે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન સહિત પાંચેય આરોપીઓને ગતરોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ થઈ ચૂકી છે. કોર્ટે આ પાંચેય આરોપીઓના 30 નવેમ્બર સાંજે 4:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ મુદ્દે થશે આગળની તપાસ : આ સમગ્ર મામલે પ્રકાશ પાડતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ વિજય બારોટે જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા માન્ય કઈ કઈ જગ્યાએ અને કેટલા આ પ્રકારના કામ કરવામાં આવ્યા અને તેમના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવાની હતી. બનાવ બન્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા, ત્યારે તેમને લોજિસ્ટિક કોણે પૂરું પાડ્યું, રહેવાની અને જવા-આવવાની સગવડો કોના દ્વારા કરવામાં આવી તે અંગે પણ તપાસ કરવાની હતી. આથી આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા 30 નવેમ્બરની સાંજે 4:00 વાગ્યા સુધીના આ પાંચે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રિમાન્ડ દરમિયાન થશે ખુલાસા : અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિવિધ પાસાઓ અંગે તપાસ કરવામાં આવશે, જેમાં કેટલાક ખુલાસા પણ થવાની શક્યતા જોવા મળી રહી છે.
- ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કેટલા ક્લેઈમ કરવામાં આવ્યા છે ?
- કયા કયા ગામોમાં કેમ્પ કરવામાં આવ્યા છે ?
- કુલ કેટલા લોકોને આવી રીતે છેતરવામાં આવ્યા છે ?
- આરોપીઓના કેટલા બેંક એકાઉન્ટ છે તથા નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ થશે
- FIR બાદ તમામ આરોપી ફરાર થયા હતા, ત્યારે તેમને કોના દ્વારા મદદ કરવામાં આવી ?
- ભાગીને આરોપીઓ ક્યાં ગયા હતા?
- રહેવા જમવા સહિતની સુવિધાઓ કોના દ્વારા ગોઠવી દેવામાં આવી ?
- આ સમગ્ર કારસ્તાનમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે ?
આ પણ વાંચો: