મોરારિબાપુનો દ્વારકા વિવાદઃ 20 જૂનના રોજ મહુવા બંધનું એલાન - Mahuva shutdown
મોરારિબાપુ પર 18 જૂનના રોજ પબુભા માણેકે દ્વારકાધીશ મંદિરમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ હુમલાને સાંસદ પૂનમ માડમ અને અન્ય હાજર લોકોએ વચ્ચે પડી નાકામ કરી દીધો હતો. આ ઘટનાને પગલે મહુવા શહેરમાં આવતી કાલ શનિવારે જડબેસલાક બંધ પાળી સાધુ સમાજ અને મોરારિબાપુના સમર્થકો દ્વારા મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.
ભાવનગરઃ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવી માફી માંગવા ગયેલા મોરારિબાપુ પર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અપશબ્દોનો પ્રયોગ કરી હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધુ સંતો તેમજ મોરારિબાપુના અનુયાયીઓ રોષની લાગણી ફેલાઈ છે. તેમજ હુમલાના વિરોધમાં મહુવા શહેર શનિવારે સદંતર બંધ પાળી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે છે.
થોડા દિવસો પહેલા રામકથાકાર મોરારિબાપુ દ્વારા એક કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ તેમજ તેમના ભાઈ બલરામ તેમજ યાદવકુળ વિશે કરાયેલી ટિપ્પણી બાદ આહીર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા મોરારિબાપુ દ્વારકા મંદિરે જઈ માફી માગે તેવી માંગણી કરવામાં આવી હતી.
જેને પગલે સમગ્ર મામલાને શાંત પાડવા માટે મોરારિબાપુ ગુરૂવારના રોજ સાજના સમયે દ્વારકા ગયા હતા. જ્યાં તેઓ ભગવાન દ્વારકાધીશના મંદિરમાં શીશ ઝુકાવી માફી માંગી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જે બાદ મોરારિબાપુએ પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કો, આ હુમલાને પૂનમબેન માડમ અને અન્ય હાજર લોકોએ વચ્ચે આવી નાકામ કરી દીધો હતો. આ ઘૃણાસ્પદ કૃત્યને કારણે ભાવનગરના સાધુ સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે. સાધુ સમાજ દ્વારા મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરનારા પબુભા માણેક સામે પોલીસ કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત મોરારીબાપુના મહુવા સ્થિત ભક્તો તેમજ અનુયાયીઓ દ્વારા શુક્રવારના રોજ મહુવા ક્રિષ્ના કોમ્યુનીટી હોલ ખાતે જેમાં મહુવા શહેરની તમામ જ્ઞાતિ, રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગકારો, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો, એકત્રિત થઇ મોરારીબાપુ સાથે થયેલી ઘટનાને વખોડી પબુભા માણેક વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેમજ મોરારીબાપુ સાથે બનેલી ઘટનાને પગલે મહુવા તાલુકો 20-06-2020 શનિવારના રોજ સ્વયંભુ બંધ પાળી મૌન રેલીનું આયોજન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.