- મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીની સૌથી વધુ આવક
- માર્કેટિંગ યાર્ડમાં 44 હજાર ગુણી મગફળીની આવક થઈ
- છેલ્લા 3 મહિનામાં 2.75 લાખ ગુણી શિંગની આવક થઈ
ભાવનગરઃ મહુવા યાર્ડના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક આવક થઈ છે. યાર્ડમાં 44 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી, જે મહુવા માર્કેટિંગ યાર્ડની અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક આવક રહી છે. ગઈ કાલની પડતર 10 હજાર થતા કૂલ 54 હજાર ગુણ થઈ છે. 80 વીઘાં જમીનમાં પથરાયેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે એટલી આવક થઈ હતી કે એક ગુણી મૂકવાની જગ્યા પણ નહોતી રહી. આથી મહુવા યાર્ડે ખેડૂતોને સૂચના આપી હતી કે શિંગ યાર્ડમાં ખેડૂતોએ ઢાંકવાના તમામ સાધનો સાથે જ લઈ આવવા.
મગફળીના ભાવ રૂ. 950થી 1075 સુધી
તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનાજ, કઠોળ અને અન્ય પાક નિષ્ફળ ગયા છે અને વધારે વરસાદથી શિંગની ગુણવત્તા પણ સારી ન હોવાથી શિંગના ભાવો પણ રૂ. 950થી 1075 સુધી આવતા હોય છે. સૌરાષ્ટ્રમાં દરેક યાર્ડમા શિંગ મોટા પ્રમાણમાં વેચવા આવે છે તેમજ હાલના ભાવથી હજી પણ ભાવ ઘટશે તેવું ખેડૂને લાગતા તેમજ તહેવારોમાં આર્થિક જરૂરિયાત હોવાથી શિંગની આવકો યાર્ડમા વધી રહી છે. મહુવા યાર્ડમાં છેલ્લા 3 મહિનામાં 2.75 લાખ ગુણી શિંગની આવક નોંધાઈ છે.