ભાવનગર : ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ ખાતે થોડા દિવસો પહેલા સેફટી ટેન્કમાં પડેલા બે સફાઈ કામદાર પૈકી એકના મૃત્યુ બાદ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરમેન એમ વેંકટેશન ભાવનગર આવી પહોંચ્યાં હતાં. બનેલી ઘટનામાં મૃતકના પરિવારને ન્યાય મળે અને સફાઈ કામદારના પ્રશ્નો હોય તેને લઈને એક બેઠકનું આયોજન કલેકટર અને કમિશનરની હાજરીમાં થયું હતું. ચેરમેને બનાવ સ્થળ અને ઇજાગ્રસ્ત વ્યક્તિની મુલાકાત લીધા બાદ ભાવનગરના વહીવટી તંત્ર સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં અંતિમ નિર્ણયો થયા હોવાનું સામે આવ્યું છે.
રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ ચેરમેન દ્વારા નિરીક્ષણ : ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ ઉપર આવેલી સેન્ટ્રલ સોલ્ટ એટલે કે સીએસએમસીઆરઆઈ ખાતે સેફટી ટેન્કમાં બે સફાઈ કામદાર ઉતર્યા હતા. જો કે તે બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બાદ મામલો રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ સુધી પહોંચ્યા પછી ભાવનગર શહેર ખાતે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરમેન એમ વેંકટેશન ભાવનગર આવી પહોંચ્યા હતા. બનાવ સ્થળ ખાતે આયોગના ચેરમેને ભાવનગરના કલેકટર,મનપાના કમિશનર અને સેન્ટ્રલ સોલ્ટના ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં ઘટનાનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત વ્યક્તિને પણ હોસ્પિટલ ખાતે મળવા પહોંચ્યા હતાં.
મૃતક રાજેશભાઈના પરિવાર માટે થયો ઠરાવ : ભાવનગર વહીવટી તંત્ર સાથે બેઠક કરનાર રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરમેન એમ વેંકટેશનની સાથે ચર્ચા વિચારણા બાદ નિર્ણય થયો હતો. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગની સાથે એક બેઠક હતી.
જેમાં સફાઈ કામદાર અને યુનિયનના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. આ સાથે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને આશ્રિત તરીકે નોકરી આપવા ઠરાવ થયેલો હોય તેની જાણ કરવામાં આવી હતી. આ સાથે અન્ય વહીવટી પ્રક્રિયાઓ હતી તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી...એન. વી. ઉપાધ્યાય ( કમિશનર )
તંત્ર સાથે બેઠક બાદ નિર્ણય પરિવારના સભ્યના હિતમાં : એમ વેંકટેશન દ્વારા બનાવ સ્થળની મુલાકાત અને ઇજાગ્રસ્તની મુલાકાત બાદ સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા સાથે મૃતકના પરિવારને લઈને ચર્ચાઓ થઈ હતી. આ સાથે અન્ય શહેર અને જિલ્લાના કોન્ટ્રાક્ટ પદ્ધતિવાળા સફાઈ કામદારોના પ્રશ્નોની પણ ચર્ચાવિચારણાઓ થઈ હતી. ચેરમેનને મળવા માટે સફાઈ કામદારના અલગ અલગ યુનિયનો મળવા આવી પહોંચ્યા હતા અને રજૂઆતો કરી હતી.