ભાવનગરઃ જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પરિણામે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ 93 ટકાથી વધુ થઈ ગયો છે. ત્યારે શેત્રુંજી ડેમમાંથી સિચાઈ માટે ખેડૂતો તેમજ સાંસદની રજૂઆત બાદ ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
સિંચાઈ વિભાગ દ્વારા ડાબા કાંઠાની કેનાલમાં 110 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ કેનાલમાં છોડવામાં આવતા પાણીની સ્થિતિ કઈંક અલગ જ જોવા મળી રહી છે. જે કેનાલમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે કેનાલમાં કેટલાંક અંતરે મોટા-મોટા ગાબડા પડી ગયા છે. આ બાબતે ભાવનગર સિંચાઈ અધિકારી દ્વારા પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, કેનાલમાં 110 ક્યૂસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવી રહ્યું છે અને જે પ્રમાણે કેનાલમાં ગાબડા અને ભંગાણની વાત છે તેવી ફરિયાદ હજુ સુધી કોઈ ધ્યાને પણ આવી નથી.
અધિકારીએ આ અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે, કેનાલમાં જો કોઈ આવી ક્ષતિ હશે તો તેનો સર્વે કર્યા બાદ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે.
ત્યારે સવાલ એ છે કે, ખેડૂતો સારી ખેતી કરી શકે તે માટે કેનાલો તેમજ ડેમ બાંધવામાં સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તે કેનાલોનું સમયાંતરે રિપેરીંગ કે તેનું મોનીટરીંગ કરવામાં આવતું નથી. ઉપરાંત સિચાઈ અધિકારીનાં જવાબ પરથી સરકારના લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય એવું ફલિત થતું નજરે પડે છે.