- રેમડેસીવીર ઇંજેક્શનના ભાવમાં ઘટાડાની સાથે ઇંજેક્શનની અછત
- 48 ઇંજેક્શનની ઉપલબ્ધતા સામે 96 ઇજેક્શનની માંગ
- ઇંજેક્શન સસ્તા થાય અને દર્દી વધતા જતા હોય ત્યારે પૂર્વ આયોજન જરૂરી
ભાવનગર : શહેરમાં રેમડેસીવીર ઇંજેક્શનના ભાવમાં ઘટાડાની સાથે ચાર-પાંચ દિવસમાં ઇંજેક્સનનો જથ્થો ખાલી થઈ જતા દર્દીઓ માટે માઠા સમાચાર છે. એક દિવસમાં 48 ઇંજેક્શનની ઉપલબ્ધતા સામે 96 ઇજેક્શનની માંગ થઇ છે. હજુ બે-ત્રણ દિવસ હાલાકીનો સામનો કરવો પડશે. ત્યારે 3 એપ્રિલે 400 ઇંજેક્શન આવી પહોંચશે.
જિલ્લામાં 35થી 45 દર્દીઓ અને શહેરમાં 10થી 20 દર્દીઓ નોંધાયા
ભાવનગરમાં કોરોનાએ જોર પક્ડ્યું છે. ભાવનગર જિલ્લામાં 35થી 45 દર્દીઓ અને શહેરમાં 10થી 20 દર્દીઓ નોંધાયા છે. ત્યારે રેમડેસીવીર ઇન્જેકસન ખાલી થતા ભાવનગરમાં આજે દર્દીઓ રઝળી પડ્યા હતા. ઇન્જેક્શનના ભાવ ઘટાડો થયો અને ચાર-પાંચ દિવસ થતા અછત ઉભી થઇ છે. ભાવનગરમાં માત્ર બે સ્ટોકીસ્ટ છે. જેમાં, એક પાસે સિપલા તો એક પાસે જાયડસ કંપનીના ઇન્જેક્શનો છે. પરંતુ સ્ટોકીસ્ટ 50 ઇંજેક્શન સુધી વ્યવસ્થા રાખતા હોય ત્યાં 96થી 100 ઇન્જેક્શનની માંગ થતા ઇન્જેક્શનોની અછત ઉભી થઇ છે.
આ પણ વાંચો : વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી
2,300 વાળી ડ્રગના કંપનીએ 899 કરી નાખ્યા હતા
ભાવનગર શહેરમાં રેમડેસીવીર ઇંજેક્શન ખાલી થતા મેડિકલ એસોસિએશનના પ્રમુખ પ્રદીપ મહેતા સાથે સ્ટોક ખાલી થવા બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં બે સ્ટોકીસ્ટ છે. જેમાં એક સિપલા અનેવેક જાયડ્સ કંપની બંન્નેના અલગ-અલગ ઇંજેક્શન છે. તેમાં એક કંપનીના 5,400 હતા. જેના આરોગ્ય અધિકારી સાથે ચર્ચા બાદ ઘટાડીને 1,680 કરવામાં આવ્યા હતા. તે દરમિયાન બીજી કંપનીની રૂપિયા 2,300 વાળી ડ્રગના કંપનીએ 899 કરી નાખ્યા હતા. તેથી ભાવ ઘટવાથી અને વધેલા કેસથી માંગ વધી ગઈ હતી. સ્ટોકીસ્ટ એક દિવસના 50 ઇન્જેક્શનનો સ્ટોક રાખે ત્યાં માંગ 100 આસપાસ પોહચી ગઈ અને કંપનીમાંથી પણ આવે ત્યારે મળે એટલે મનપાના કમિશ્નર સાથે ચર્ચા કરી કંપનીમાંથી હાલ 400 ઇંજેક્શન મંગાવ્યા છે અને 3 એપ્રિલના રોજ બપોર સુધીમાં બધાને મળી જશે.
આ પણ વાંચો : ભાવનગરમાં કોરોના કેસ વધતા રેપિડ ટેસ્ટમાં વધારો, રેમિડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો
બે-ત્રણ દિવસ પરિસ્થિતિ થોડીક વિકટ રહેશે
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર.કે. સિંહાએ જણાવ્યું હતું કે, 'હા, વાત કરી છે ઇન્જેક્શનના સ્ટોકીટ સાથે અને કાલ આવી પણ જશે. પરંતુ ડ્રગ મામલે વધુ ડ્રગ ઇન્સ્પેક્ટર જણાવી શકશે. ડ્રગ ઇન્સ્પેકટર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, બે-ત્રણ દિવસ પરિસ્થિતિ થોડીક વિકટ રહેશે પછી રેગ્યુલર મળી રહેશે. જ્યારે અગાવ સ્ટોકીસ્ટોને જણાવવામાં નહોતું આવ્યું કે, સ્ટોક વધુ રાખવામાં આવે તો આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે, ઉપર કંપનીમાં જ ના હોય એટલે આવું બની શકે છે. હવે જો ઇંજેક્શન સસ્તા થાય અને દર્દી વધતા જતા હોય ત્યારે પૂર્વ આયોજન જરૂરી છે પણ અહીંયા કરવામાં આવ્યું ના હોય તેવું લાગી રહ્યું છે.