- ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈને 6.50 લાખ મરઘાંની તપાસ શરૂ
- મહાનગરપાલિકાએ સાવચેતી રાખવા પ્રજાને કરી છે અપીલ
- અંદાજે 2 લાખથી વધુ મરઘાની તપાસ પૂર્ણ કરવામાં આવી
ભાવનગર: ભાવનગર જિલ્લામાં 65 જેટલા પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. જેમાંથી 30 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ થઈ ગયું છે. હાલમાં સૌથી વધુ ફાર્મ ધરાવતા મહુવામાં પશુ વિભાગની ટીમ તપાસ કરી રહી છે. જિલ્લામાં 6.50 લાખ મરઘાં પૈકી અંદાજે 2 લાખથી વધુ મરઘાની તપાસ થઈ ચૂકી છે. જેમાં કોઈ કેસ સામે આવ્યો નથી. મહાનગરપાલિકાએ સાવચેતી રાખવા પ્રજાને અપીલ પણ કરી છે.
દેશમાં વધઈ રહી છે બર્ડ ફ્લૂની દહેશત
દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂની દહેશત વધી રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પશુ વિભાગ સતર્ક બની ગયું છે. જિલ્લામાં અને શહેરમાં ગાઈડલાઈન આપવામાં આવી છે. સાથે જ મરઘાઓનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જિલ્લામાં કેટલા મરઘાં અને શું કરાઈ રહી છે તપાસ?
ભાવનગર જિલ્લામાં 11 તાલુકા છે અને 11 તાલુકા માટે પશુ વિભાગની જિલ્લા પંચાયતની 13 ટીમ કામે લાગી છે. જિલ્લામાં આવેલા 65 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં આશરે 6.50 લાખથી વધુ મરઘાં નોંધાયેલા છે. ત્યારે પશુ વિભાગ સતર્ક બનીને તપાસમાં લાગી ગયું છે. દરેક પોલ્ટ્રી ફાર્મમાં તપાસ શરૂ કરૂ દેવામાં આવી છે.
મનપાએ શહેરીજનોને સાવચેતી રાખવા અપીલ કરી
રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ મળતા ગુજરાતમાં એલર્ટ છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા 65 પોલ્ટ્રી ફાર્મમાંથી 30 પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓની તપાસ કરી લેવામાં આવી છે અને બાકીના પોલ્ટ્રી ફાર્મમાં તપાસ ચાલુ છે. એવામાં ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પ્રજાના આરોગ્ય હેતુ સાવચેતીના પગલાંના ભાગરૂપે અપીલ કરી છે. તાવ આવવો, શરીર દુઃખવું, કળતર, શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરવા વિનંતી કરી છે.