- ડેમની સપાટીમાં બે ફૂટ નવા નીરની આવક
- ભાવનગર અને અમરેલી પંથકમાં પડેલા વરસાદને પગલે ડેમમાં આવ્યા નવા નીર
- 30 કલાકમાં ડેમ સપાટીમાં 25 ઇંચ પાણીનો વધારો
- હજુ પાણીની આવક શરૂ છે
ભાવનગર: જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે વધુ બે ફૂટ નવા નીરની આવક થઇ છે. આજે 30 ઇંચ જેટલી ડેમ સપાટીમાં વધારો થતા ડેમ સપાટી 26.1 ફૂટે પહોચી છે. હાલની ડેમ સપાટીને પગલે પાલીતાણા અને ભાવનગર શહેરની એક વર્ષની પાણીની સમસ્યા પણ હલ થઇ જતા લોકોમાં પણ ખુશી છવાઇ છે.
વર્ષ 2015માં ઓવરફલો થયેલા શેત્રુંજી ડેમમાં આ વર્ષે સારા વરસાદના કારણે નવા નીરની આવકના પગલે ડેમ સપાટીમાં સારો વધારો નોંધાયો છે. હાલ ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે 30 ઇંચ જેટલા નવા નીરની આવક થતા હાલ ડેમ સપાટી 26.1 ફૂટે પહોચી છે. ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના લીલીયા, લાઠી, સાવરકુંડલા પંથક સહિતના વિસ્તારોમાં થયેલા સારા વરસાદને પગલે બે ફૂટ જેટલા નવા નીર આવતા એક વર્ષ સુધી ભાવનગર અને પાલીતાણાને ચાલી શકે એટલો પાણીનો સંગ્રહ થઇ જવા પામ્યો છે. એટલે કે હાલ પાણીની સમસ્યા આ બંને વિસ્તારો માટે ટળી જવા પામી છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફલો થાય છે, ત્યારે હજુ સારા વરસાદની આગાહીને પગલે આ વર્ષે એટલે કે 5 વર્ષ બાદ ડેમ ફરી ઓવરફલો થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે.